દિલ્હીમાં સિગ્મા ગેંગના 4 મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરોનું એન્કાઉન્ટર; ગેંગનો લીડર પણ ઠાર...
Top Newsનેશનલ

દિલ્હીમાં સિગ્મા ગેંગના 4 મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરોનું એન્કાઉન્ટર; ગેંગનો લીડર પણ ઠાર…

નવી દિલ્હી: દિલ્હી પોલીસ અને બિહાર પોલીસે મળીએ ગત મોડી રાત્રે દિલ્હીના બહાદુર શાહ માર્ગ એક એન્કાઉન્ટરમાં ચાર મોસ્ટ-વોન્ટેડ ગેંગસ્ટરને ઠાર કર્યા હતાં. અહેવાલ મુજબ આ ચારેય કુખ્યાત સિગ્મા ગેંગના સભ્યો હતો.

અહેવાલ મુજબ ગત રાત્રે 2.20 વાગ્યે પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે ગોળીબાર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે ગેંગસ્ટરોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે ભાગી જવાના પ્રયાસમાં ગોળીબાર કર્યો હતો, જેનો પોલીસે વળતો જવાબ આપ્યો હતો.

પોલીસે કરેલા ગોળીબારમાં, ચારેય બદમાશોને ગોળી વાગી હતી. ચારેયને રોહિણી સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં. દિલ્હી પોલીસ અને બિહાર પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ એન્કાઉન્ટર સ્થળે પહોંચ્યા છે, હાલ વિસ્તારની નાકાબંધી કરવામાં આવી છે. ફોરેન્સિક લેબની ટીમો પુરાવા એકઠા કરી રહ્યા છે.

કોણ હતાં ગેંગસ્ટરો?
માર્યા ગયેલા ગેંગસ્ટરોની ઓળખ રંજન પાઠક (25), બિમલેશ મહતો (25), મનીષ પાઠક (33) અને અમન ઠાકુર (21) તરીકે થઈ છે. રંજન પાઠક ગેંગનો લીડર હતો. અમન ઠાકુર દિલ્હીનો રેહવાસી હતો, જયારે બાકીના ત્રણેય બિહારના સીતામઢીના રહેવાસી હતાં.

ચૂંટણી કાવતરું રચી રહ્યા હતાં:
અહેવાલ મુજબ બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાન પહેલા આ ગેંગ એક મોટું કાવતરું રચી રહી હતી. બિહારમાં પોલીસથી બચવા ગેંગના સભ્યો દિલ્હીમાં એકઠા થયા હતાં. બાતમીના આધારે પોલીસ તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી.

બિહારમાં સિગ્મા ગેંગનું નેટવર્ક:
ચારેય શખ્સો સામે બિહારમાં હત્યા, ખંડણી અને અને મારપીટ સહિતના અનેક ગંભીર ગુના નોંધાયેલા હતાં, ચારેયને મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. રંજન પાઠક પર 25,000 રૂપિયાનું જાહેર કરવામાં આવ્યું હતું. તેની સામે હત્યા સહીત આઠ કેસ દાખલ છે. રંજન પાઠક સોશિયલ મીડિયા પર પોલીસને ખુલ્લેઆમ પડકાર આપતો હતો.

બિહારમાં સિગ્મા ગેંગ છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે, ગેંગ ખંડણી અને કોન્ટ્રાક્ટ કિલિંગ જેવી ગુનાહિત પ્રવૃતિઓમાં સામેલ છે.હવે પોલીસ ગેંગના અન્ય સભ્યોને શોધી કાઢવા અને ગેંગના નેટવર્કને તોડી પાડવા પ્રયાસ કરી રહી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button