જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એન્કાઉન્ટરઃ 2 આતંકવાદી ઠાર મરાયા, પાંચ જવાન ઘાયલ

જમ્મુઃ જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના જંગલ વિસ્તારમાં ભીષણ ગોળીબારમાં બે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ અથડામણમાં પાંચ સુરક્ષા કર્મચારી ઘાયલ થયા હતા.
અધિકારીઓએ આજે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ લગભગ પાંચ આતંકવાદીઓનું જૂથે ઘૂસણખોરી કરી હોવાની જાણકારી મળતા કાર્યવાહી શરૂ કરી હતી. તે તાત્કાલિક સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ તે આતંકવાદીઓ છે જે કઠુઆ ક્ષેત્રના સાન્યાલ જંગલમાં અગાઉના ઘેરાબંધીમાંથી ભાગી ગયા હતા કે પછી આતંકવાદીઓનું નવું જૂથ હતું.
આ પણ વાંચો: યુપીમાં રાજનાથ સિંહે આપ્યું મોટું નિવેદન: PoK વિના જમ્મુ કાશ્મીર છે અધૂરું
અધિકારીઓએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટરમાં ભારે ગોળીબાર અને વિસ્ફોટ થયા હતા. રાજબાગના ઘાટી જુથાના વિસ્તારમાં જાખોલે ગામ નજીક આ ફાયરિંગમાં લગભગ પાંચ આતંકવાદીઓનું એક ગ્રુપ સામેલ હતું.
ફાયરિંગની શરૂઆતમાં સ્પેશિયલ પોલીસ અધિકારી ભરત ચલોત્રા ઘાયલ થયા હતા, જેમના ચહેરા પર ઇજા પહોંચી હતી. જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પહેલા તેમને કઠુઆ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, જ્યાં તેમની હાલત સ્થિર છે.
આ અગાઉ રવિવારે પણ અહીંથી 30 કિલોમીટર દૂરના હીરાનગર સેક્ટરમાં સિક્યોરિટી ફોર્સના જવાનોએ આતંકવાદીઓને જોયા હતા, ત્યાર પછી આ જ આતંકવાદીઓ સામે આર્મીએ ઓપરેશન હાથ ધર્યું હતું. રવિવારના ઓપરેશન વખતે એક સગીર વયની બાળકીને ઈજા પહોંચી હતી.