Elvish Yadav: ‘હાં, હું સાપનું ઝેર સપ્લાય કરતો હતો…’ એલ્વીશ યાદવએ ગુનો કબૂલ્યો
નોઇડા: જાણીતા યુટ્યુબર અને બીગ બોસ OTT 2ના વિજેતા એલ્વિશ યાદવ (Elvish Yadav) મુશ્કેલીઓમાં ફસાયો છે, રવિવારે નોઇડા પોલીસે તેની ધરપકડ કરી હતી. રેવ પાર્ટીઓમાં સાપનું ઝેર સપ્લાય કરવાના આરોપસર એલ્વિશની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. હાલ પોલીસ એલ્વીશની કડક પૂછપરછ કરી રહી છે.
26 વર્ષીય યુટ્યુબર એલ્વીશે અગાઉ તમામ આરોપો ફગાવી દીધા હતા. સુત્રોના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન એલ્વિશ યાદવે ગુનો કબુલ કરી લીધો છે, એલ્વીશે સ્વીકાર્યું કે તે પાર્ટી માટે સાપ અને સાપના ઝેરની સપ્લાય કરતો હતો. એલ્વિશ યાદવે કબૂલ્યું છે કે તે નવેમ્બરમાં ધરપકડ કરાયેલા આરોપી રાહુલ સહિત દરેકને અલગ-અલગ રેવ પાર્ટીઓમાં મળ્યો હતો.
અગાઉ એલ્વીશ સામે વન્યજીવન અધિનિયમ હેઠળ કેસનો નોંધવામાં આવ્યો હતો છે, હવે નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ(NDPS) એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. ડ્રગ્સની ખરીદી અને વેચાણ સંબંધિત કેસમાં NDPS હેઠળ ગુનો નોંધવામાં આવે છે. આ કાયદા હેઠળ આરોપીને જામીન મળવા ખુબ મુશ્કેલ છે.
એલ્વિશ યાદવ પર તેના વીડિયો શૂટમાં સાપનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે. તેણે અગાઉ પોલીસને કહ્યું હતું કે તેના વીડિયોમાં દેખાતા સાપ બોલિવૂડ સિંગર ફાઝિલપુરિયા દ્વારા મંગાવવામાં આવ્યા હતા.
અગાઉ નોઈડાના બેન્ક્વેટ હોલમાં દરોડા પાડીને પોલીસે આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી. તેમાંથી ચાર સ્નેક ચાર્મર હતા. આ ઉપરાંત પાર્ટીમાંથી નવ સાપ અને સાપનું ઝેર પણ જપ્ત કરવામાં આવ્યું હતું. એક એનજીઓની ફરિયાદ બાદ દરોડા પાડવામાં આવ્યા હતા.
8 નવેમ્બર 2023ના રોજ, નોઇડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગના સંબંધમાં FIR નોંધી હતી. આ કેસમાં એલ્વિશ યાદવનું નામ મુખ્ય આરોપી તરીકે નોંધવામાં આવ્યું હતું. આમાં રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથના નામ પણ સામેલ હતા. પોલીસે રાહુલ નામના વ્યક્તિ પાસેથી 20ml ઝેર કબજે કર્યું હતું.