
ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર-49 કોતવાલી વિસ્તારના, સેક્ટર-51માં સેફ્રોન વેડિંગ વિલામાં આયોજિત રેવ પાર્ટી માટે સાપના ઝેરની દાણચોરી કરતી ગેંગની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન સેલિબ્રિટી અને બિગ બોસ ઓટીટી વિનર એલ્વિશ યાદવનું નામ સામે આવ્યું છે. રેવ પાર્ટીમાં સાપનું ઝેર સપ્લાય કરતા પકડાયેલા આરોપીઓએ એલ્વિશ યાદવનું નામ લીધું છે. નોઈડા પોલીસે એલ્વિશ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમજ વધુ તપાસ પણ શરૂ કરી છે. પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ ઓટીટીના પ્રથમ વિજેતા અલ્વિશ યાદવની રેવ પાર્ટી કેસમાં ધરપકડ થઈ શકે છે. નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં સાપના ઝેરના ઉપયોગ અંગે FIR નોંધી છે.
મળતી માહિતી મુજબ નોઈડા પોલીસે સેક્ટર 49 વિસ્તારમાં દરોડા પાડીને 5 લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 5 કોબ્રા સહિત કુલ 9 સાપ જપ્ત કર્યા હતા. પોલીસે પાર્ટીના સ્થળેથી સાપનું ઝેર, પાંચ કોબ્રા, એક અજગર, બે લાંબી પૂંછડીવાળા સાપ અને એક હોર્સટેલ સાપ મળી આવ્યો હતો. આ સાથે સાપનું ઝેર પણ ત્યાંથી મળી આવ્યું હતું. જ્યારે પોલીસે ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી તો તેઓએ બિગ બોસ ઓટીટી વિજેતા એલ્વિશ યાદવનું નામ લીધું હતું. આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તેઓ એલ્વિશ યાદવની પાર્ટીમાં સાપ સપ્લાય કરતા હતા. આ પછી પોલીસે એલ્વિશ વિરુદ્ધ પણ FIR નોંધી છે. આ બાબત વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલી છે.
પીએફએની ફરિયાદ પર ડ્રગ્સ વિભાગ, વન વિભાગ અને નોઈડા પોલીસની સંયુક્ત ટીમે આ દરોડો પાડ્યો હતો જેમાં બીજી ઘણી મહત્વપૂર્ણ માહિતી જાણવા મળી હતી. રિપોર્ટ અનુસાર, ઝડપાયેલા સાપની ખરીદી અને વેચાણ પ્રતિબંધિત છે અને આ કેસમાં લગાવવામાં આવેલી કલમો બિનજામીનપાત્ર છે. આવી સ્થિતિમાં, એવું જણાવવામાં આવી રહ્યું છે કે જો એલ્વિશ વિરુદ્ધ મજબૂત પુરાવા છે તો તેની ધરપકડ નક્કી જ છે. પૂછપરછ દરમિયાન એ વાત પણ સામે આવી રહી છે કે આ ગેંગના અન્ય લોકો પણ સક્રિય છે, જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવી શકે છે.
પોલીસે હાથ ધરેલી તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા સક્રિય સાપના દાણચોરો મેટ્રો શહેરમાં યોજાતી રેવ પાર્ટીઓમાં ઝેરી સાપનું ઝેર આપીને લાખોની કમાણી કરતા હતા. આટલું જ નહીં, ધરપકડ કરાયેલા દાણચોરોએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે તેઓ આસપાસના જંગલોમાંથી નહીં પરંતુ રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પ્રતિબંધિત પ્રજાતિના અજગરોને પકડતા હતા અને પછી તેમને મોટી રકમમાં વેચતા હતા. પોલીસે ખુલાસો કર્યો હતો કે સાપના દસ ગ્રામ ઝેરની બોટલની કિંમત 1 લાખ રૂપિયાથી વધુ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સાપના ઝેરની કિંમત કરોડો રૂપિયામાં છે
તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે આ સમગ્ર મામલાનો ખુલાસો કરવા માટે એક બાતમીદારે જ્યારે એલ્વિશ યાદવનો સંપર્ક કર્યો ત્યારે એલ્વિશે રાહુલ નામના એજન્ટનો નંબર આપ્યો અને કહ્યું કે મારું નામ લઇને એની સાથે વાત કરી લો. તમારું કામ થઈ જશે.
આ પછી બાતમીદારે રાહુલનો સંપર્ક કર્યો અને તેને પાર્ટીનું આયોજન કરવા આમંત્રણ આપ્યું. ફરિયાદીએ વન વિભાગના અધિકારીઓ અને પોલીસને જાણ કરી હતી. 2 નવેમ્બરના રોજ આરોપી સાપ લઈને સેવરોન બેન્ક્વેટ હોલમાં પહોંચ્યો હતો. આ દરમિયાન વન વિભાગની ટીમે પોલીસની મદદથી આરોપીને પકડી લીધો હતો. પોલીસે માત્ર પાંચ લોકોની ધરપકડ કરી છે. પોલીસના હાથે ઝડપાયેલા પાંચ લોકોની ઓળખ દિલ્હીના રાહુલ, તિતુનાથ, જયકરણ, નારાયણ અને રવિનાથ તરીકે થઈ છે.