કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલનને લગતા એકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો, Xએ અસહમતી દર્શાવી

નવી દિલ્હી: ભારત સરકારે તાજેતરમાં જ X (અગાઉ ટ્વિટર) ના સંખ્યાબંધ એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. Xએ સરકારના આ આદેશને સ્વીકાર્યો છે, પરંતુ અસહમતી પણ વ્યક્ત કરી છે. X એ કહ્યું છે કે તેઓ ભારત સરકારના આદેશ પછી કેટલાક X એકાઉન્ટ્સને બ્લોક અથવા સસ્પેન્ડ કરી રહ્યાં છે પરંતુ અમે આ સાથે સહમત નથી. લોકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ. Xની ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ ટીમે એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે.
ભારત સરકારે X ને ખેડૂતોના પ્રદર્શનને લગતા ખાતાઓ અને પોસ્ટ્સને બ્લોક કરવાની સૂચના આપી હતી. કેન્દ્ર સરકારે ખેડૂતોની ‘દિલ્હી ચલો માર્ચ’ને પગલે આ આદેશ આપ્યો હતો. 14 અને 19 ફેબ્રુઆરીએ અપાયેલા બંને ઓર્ડર શરતો સાથે આપવામાં આવ્યા છે. આ ઓર્ડર્સ ખેડૂત પ્રદર્શનના સમયગાળા માટે જારી કરવામાં આવ્યા છે. આ પછી, સોશિયલ મીડિયા કંપનીઓ આ એકાઉન્ટ્સ અને ચેનલોને અનબ્લોક કરી શકે છે.
Xની ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ ટીમે કહ્યું કે “ભારત સરકારે ઓર્ડર આપ્યો છે, જેમાં ચોક્કસ X એકાઉન્ટ્સ અને પોસ્ટ્સ સામે પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. ઓર્ડરમાં કહેવામાં આવ્યું છે કે આ એકાઉન્ટ્સ સામે દંડ અને જેલની સજા જેવી કાર્યવાહી કરવામાં આવશે. આદેશોના પાલનમાં, અમે ફક્ત ભારતમાં જ આ એકાઉન્ટ્સ અને પોસ્ટ્સને બ્લોક કરીશું; જો કે, અમે આ કાર્યવાહી સાથે અસંમત છીએ અને માનીએ છીએ કે દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જોઈએ, અમે અમારી પોલિસીઓ અનુસાર અસરગ્રસ્ત યુઝર્સને આ કાર્યવાહીની સૂચના પણ આપી છે. કાનૂની પ્રતિબંધોને લીધે, અમે ઓર્ડરને પ્રકાશિત કરવામાં અસમર્થ છીએ, પરંતુ અમે માનીએ છીએ કે પારદર્શિતા ખાતર તેને જાહેર કરવું જરૂરી છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર જેનાથી સામાજિક સૌહાર્દને નુકશાન પહોંચે એવી વિવાદાસ્પદ પોસ્ટ્સ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાનો આદેશ આપે છે છે. આ સંદર્ભે, Xને સૌથી વધુ ઓર્ડર મળે છે. અગાઉ, જ્યારે Xનું નામ ટ્વિટર હતું ત્યારે પણ ભારત સરકાર આવા આદેશો જારી કરતી હતી. આ પહેલા પણ X એ સરકારી આદેશ બાદ એકાઉન્ટ બ્લોક કરવા અંગે અસહમતિ વ્યક્ત કરી છે.