Electoral Bond મામલે રાજકારણ ગરમાયું! ખડગેએ કહ્યું- સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ભાજપના દાનની તપાસ થાય
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ચૂંટણી પંચ સાથે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા શેર કર્યો હતો, જેને ચૂંટણી પંચ દ્વારા પણ જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ ડેટા જોતા સૌથી મહત્વની બાબત તે સામે આવી છે કે ઇલેક્ટ્રોરલ બોન્ડની સૌથી મોટી લાભાર્થી તો ભાજપ છે. હવે આ મામલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપના મળેલા દાન અંગે તપાસની માગ કરી છે. લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસના અધ્યક્ષ ખડગેની આ ઘટનાને કારણે રાજકારણ ગરમાયું છે અને વિરોધ પક્ષો ભાજપ પર પ્રહારો કરી રહ્યા છે. ખડગેએ કહ્યું છે કે ભાજપના દાનની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી પાર્ટીના ખાતા જપ્ત કરવામાં આવે.
ઇલેક્ટ્રોરલ બોન્ડની પોલ ખોલતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે જે-જે કંપનીઓને ઈડીની નોટિસ મળી હતી તેમણે સત્તારૂઢ પાર્ટી ભાજપને છપ્પર ફાડ દાન આપ્યું હતું. તેમણે માંગણી કરી છે કે ભાજપના દાનની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ SIT દ્વારા કરાવવામાં આવે અને ત્યાં સુધી ભાજપના બેંક ખાતા જપ્ત કરવામાં આવે.આજે બેંગલુરુમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ જ કારણોસર જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ રદ કર્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ભાજપને ચૂંટણી બોન્ડમાંથી 50 ટકાથી વધુ દાન મળ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર 11 ટકા દાન મળ્યું છે. તેમણે સવાલ કર્યો કે બંને પક્ષો વચ્ચે આટલો તફાવત કેવી રીતે હોઈ શકે? તેમણે ઈન્કમ ટેક્સ પર પણ આરોપ લગાવતા કહ્યું કે 2017ના સંબંધિત એક કેસમાં કોંગ્રેસ પાર્ટીના 300 કરોડ રૂપિયાના ખાતા ઈન્કમ ટેક્સ વિભાગે ફ્રીઝ કર્યા છે, તેથી ભાજપના ખાતા પણ ફ્રીઝ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને ગેરકાયદે જાહેર કરીને ભાજપના ફંડ એકત્ર કરવાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષે પીએમ નરેન્દ્ર મોદી પર પણ પ્રહારો કર્યા અને કહ્યું કે પીએમ મોદી કહેતા રહ્યા કે ‘હું ના તો ખાઈશ અને ના આપું’ અને તેમની પાર્ટીને સૌથી વધુ દાન ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યું. ખડગેએ કહ્યું કે આજે અમારી પાસે ખર્ચ કરવા માટે પૈસા નથી અને તેઓ (ભાજપ) ચોરી અને ખોટી રીતે ઘણા પૈસા મેળવી રહ્યું છે.