
નવી દિલ્હી: હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી થઇ રહી છે. શરૂઆતના વલણોમાં કોંગ્રેસે હરિયાણામાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને કોંગ્રેસ ગઠબંધન વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. જોકે બપોર સુધીમાં સ્થિતિ લગભગ સ્પષ્ટ થઈ જશે કે કયો પક્ષ સરકાર બનાવી શકે છે.
હરિયાણામાં શરૂઆતી વલણો અનુસાર 90માંથી કોંગ્રેસ 49 બેઠકો પર આગળ છે, ભાજપ 21 બેઠકો પર અને અન્ય 9 બેઠકો પર આગળ છે. જમ્મુ-કાશ્મીરમાં 90 બેઠકો માંથી ભાજપ 28 અને કોંગ્રેસ 28 બેઠકો પર આગળ છે.
જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું. ત્રણેય તબક્કામાં મળીને 63.45 ટકા મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-NC ગઠબંધન અને ભાજપ વચ્ચે જંગ છે. 20 જિલ્લાની તમામ 90 બેઠકો પર ભારે સુરક્ષા વચ્ચે મતગણતરી કરવામાં આવી રહી છે.
જ્યારે ભાજપ હરિયાણામાં સત્તા જાળવી રાખવાનો દાવો કરે છે, ત્યારે એક્ઝિટ પોલના અંદાજોથી પ્રોત્સાહિત કોંગ્રેસ પણ 10 વર્ષ પછી ફરી સત્તામાં આવવાની આશા રાખી રહી છે. હરિયાણામાં વિધાનસભા ચૂંટણી એ લોકસભાની ચૂંટણી પછી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની પ્રથમ મોટી સીધી હરીફાઈ છે.
Also Read –