ભાજપના પ્રમુખની ચૂંટણી યોજવામાં વિલંબ કેમ, આ રહ્યું સાચું કારણ?
ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં પણ પ્રદેશ પ્રમુખ માટે પાર્ટીને કેમ મુહૂર્ત મળતું નથી?

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં હજુ વિલંબ થઈ રહ્યો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આ ચૂંટણી આગામી મહિના સુધી થાય તેવા સંકેતો નથી મળી રહ્યા. આ વર્ષે જાન્યુઆરી માસમાં થનારી ચૂંટણીને હવે છેક છ મહિના બાદ યોજાય તેવી શક્યતા છે. જો કે ચૂંટણીમાં થઈ રહેલા વિલંબની પાછળ ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ખાલી પડેલ પ્રદેશ અધ્યક્ષના પદને માનવામાં આવી રહ્યું છે.
હજુ લંબાશે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી?
પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીના જાણે અવળા ગણેશ બેસી ગયા હોય તેમ સતત વિલંબ થઈ રહ્યો છે. છેક જાન્યુઆરી માસમા યોજાવાની હતી પરંતુ તે હવે છેક એપ્રિલ માસ સુધી થઈ શકી નથી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચૂંટણી હજુ આગામી માસમાં થાય તેવા કોઇ સંકેતો મળી રહ્યા નથી. ચૂંટણીમાં થઈ રહેલા આ વિલંબ માટેના કારણોમાં ગુજરાત અને ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષની બાકી રહેલી ચૂંટણીને માનવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી આ બંને રાજ્યોના સંગઠનનું નેતૃત્વ નિર્ધારિત નથી થતું ત્યાં સુધી રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પણ અટકી રહેશે.
સંગઠનમાં મોટાપાયે ફેરફારના સંકેત
અહેવાલો અનુસાર રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી બાદ પાર્ટીના સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવી શકે છે. એવી પણ વિગતો છે કે પાર્ટીની સર્વોચ્ય કર્તા-હર્તા એવા પાર્લામેન્ટ્રી બોર્ડમાં પણ પાર્ટીના દિગ્ગજ નેતાઓને સ્થાન મળી શકે છે. હાલ તો પાર્ટી કોઇ એવા નેતાની શોધમાં છે કે જે ન માત્ર પાર્ટીના સંગઠનને સંભાળી શકે પરંતુ સાથે જ પાર્ટીને ચૂંટણીના દ્રષ્ટિકોણથી પણ દિશાનિર્દેશ કરી શકે.
મંત્રીમંડળનાં પણ વિસ્તરણના અહેવાલ
અહેવાલો અનુસાર નવાઅધ્યક્ષની પસંદગી બાદ પાર્ટીના લગભગ 50 ટકા રાષ્ટ્રીય મહાસચિવોને બદલવામાં આવી શકે છે. સંગઠનમાં યુવા ચહેરાઓને સ્થાન આપવા માટે એક યોજના બનાવવામાં આવી રહી છે. કેટલાક વરિષ્ઠ નેતાઓને કેન્દ્ર સરકારમાંથી દૂર કરીને સંગઠનમાં લાવી શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કરી શકે છે. વર્તમાન મંત્રી પરિષદમાં 9 જગ્યાઓ ખાલી છે.
આપણ વાંચો : તમિલનાડુ સરકારે રાજ્યની ‘સ્વાયત્તતા’ માટે બનાવી હાઈ લેવલ કમિટી…