નેશનલ

રાજ્યસભાની 8 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત; આ તારીખે મતદાન, તમિલનાડુમાં કોનું પલડું ભારે?

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચે (Election commission of India) આઠ રાજ્યસભા બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓની જાહેરાત (Rajysabha Election) કરી છે. ECIની જાહેરાત મુજબ 19 જૂનના રોજ આસામની બે અને તમિલનાડુની છ રાજ્યસભા બેઠકો માટે મતદાન થશે. આ આઠ રાજ્યસભા બેઠકો પરના હાલના સાંસદોનો કાર્યકાળ જૂન અને જુલાઈમાં સમાપ્ત થઈ રહ્યો છે. આ બંને રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે.

ચૂંટણી પંચે આપેલી માહિતી મુજબ આસામની બે બેઠકો પરથી ભાજપના રાજ્યસભા સાંસદો બિરેન્દ્ર પ્રસાદ વૈશ્ય અને મિશ્રી રંજન દાસનો કાર્યકાળ 14 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે, તમિલનાડુના છ રાજ્યસભા સભ્યો કાર્યકાળ 24 જુલાઈએ સમાપ્ત થઈ રહ્યો છે. જેમાં અંબુમણિ રામદાસ, એન ચંદ્રશેખરન, એમ શનમુગમ, એમ મોહમ્મદ અબ્દુલ્લા, પી વિલ્સન અને વૈકોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે રાજ્ય વિધાનસભાના સભ્યો પ્રપોર્શનલ રીપ્રેઝેન્ટેશન સીસ્ટમ દ્વારા રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરે છે. જેના માટે સિંગલ ટ્રાન્સફરેબલ વોટનો ઉપયોગ થાય છે.

આવો રહેશે ચૂંટણીનો કાર્યક્રમ:

ચૂંટણી પંચે કહ્યું કે 2 જૂને સૂચના બહાર પાડવામાં આવશે. આ સાથે જ નોમિનેશન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. નોમિનેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 જૂન રહેશે. ભરાયેલા ઉમેદવારી ફોર્મની ચકાસણી 10 જૂને કરવામાં આવશે. ઉમેદવારો 12 જૂન સુધી પોતાના નામ પાછા ખેંચી શકશે. આ આઠ રાજ્યસભા બેઠકો માટે મતદાન 19 જૂનના રોજ થશે. મત ગણતરી એ જ દિવસે સાંજે કરવામાં આવશે. ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા 23 જૂન પહેલા પૂર્ણ કરવામાં આવશે.

કોવિડ-19ના કેસો પર નજર:

કોવિડ-19 કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, ECI એ કહ્યું કે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવશે અને ચૂંટણીનું સંચાલન સલામત રીતે થાય એ માટે જરૂરી હેલ્થ પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે. કમિશને જણાવ્યું કે હેલ્થ ગાઈડલાઈન્સ આધારે ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ ફેરફારો વિશે મતદારો અને ઉમેદવારોને માહિતી આપવામાં આવશે.

તમિલનાડુનું સમીકરણ:

તમિલનાડુ વિધાનસભામાં વિધાનસભ્યોની હાલની સંખ્યાને ધ્યાનમાં રાખીને, DMKના ચાર અને AIDMKના બે સાંસદો ચૂંટાઈ તેવી શક્યતા છે. તમિલનાડુ વિધાનસભામાં 234 સભ્યો છે અને રાજ્યસભામાં છ બેઠકો ખાલી છે. રાજ્યસભાના એક સભ્યને ચૂંટવા માટે ઓછામાં ઓછા 34 મતો જરૂરી છે.

DMK પાસે વિધાનસભા સ્પીકર સહિત 134 વિધાનસભ્યો છે અને તેના સાથી પક્ષો પાસે 25 વિધાનસભ્યો છે. આમ, DMKને ચાર સાંસદો મળી શકે છે.

AIDMK પાસે 66 વિધાનસભ્યો છે, જેમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓ પન્નીરસેલ્વમ અને તેમના ત્રણ સમર્થકોનો સમાવેશ થાય છે. પાર્ટી એક બેઠક સરળતાથી જીતી શકે છે; વધુ એક બેઠક જીતવા માટે, AIDMKને તેના સાથી પક્ષ ભાજપનો ટેકો જોઈશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં ભાજપ AIADMK ને રાજ્યસભાની એક બેઠક આપવા વિનંતી કરી શકે છે.

આ પણ વાંચો…લુધિયાણા પશ્ચિમ પેટાચૂંટણી AAP માટે ‘કરો યા મરો’ જંગ! જાણો શું છે કારણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button