બિહારમાં મતદાર યાદી સમીક્ષા અંગે ચૂંટણી પંચની સ્પષ્ટતા; જાણો કલમ 326 ટાંકીને શું કહ્યું?

નવી દિલ્હી: બિહારમાં આ વર્ષે યોજાનરી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદીમાં સુધારો કરવા ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા શરુ કરી છે, વિપક્ષ આ પ્રક્રિયા સામે સખત વિરોધ નોંધાવી રહ્યું છે. વિપક્ષે બિહાર બંધની જાહેરાત કરી છે. રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ જેવા નેતાએ પણ બિહાર બંધને સમર્થન આપ્યું હતું અને ચૂંટણી પંચના પગલાનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન, ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં પંચે કલમ 326 નો ઉલ્લેખ કર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું હતું કે બિહાર મતદાર યાદીમાં સંપૂર્ણ સુધારો કરવાથી ખાતરી થશે કે લાયક લોકો જ યાદીમાં સામેલ હોય.
ચૂંટણી પંચની પોસ્ટમાં લખવામાં આવ્યું કે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ પુખ્ત મતાધિકારના આધારે થશે. વિધાનમંડળ દ્વારા બનાવેલા કાયદા દ્વારા અથવા તેના હેઠળ નિયુક્ત નિયમને આધારે નક્કી કરવામાં આવેલી તારીખે ઓછામાં ઓછી અઢાર વર્ષની ઉંમરનો હોય તથા બંધારણ અથવા વિધાનમંડળ દ્વારા બનાવેલા કોઈપણ કાયદા હેઠળ બિન-નિવાસ, માનસિક અસ્વસ્થતા, ગુના અથવા ભ્રષ્ટ અથવા ગેરકાયદેસર પ્રથાના આધારે ગેરલાયક ઠરાવવામાં આવ્યો ન હોય, તે આવી કોઈપણ ચૂંટણીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે હકદાર રહેશે.
આપણ વાંચો: આયાત-નિકાસ છેતરપિંડી કેસમાં ફરાર મોનિકા કપૂરને સીબીઆઈ અમેરિકાથી ભારત પરત લાવશે, જાણો સમગ્ર મામલો
મતદાર યાદી અંગે ચૂંટણી પંચ શું કહ્યું:
બિહારની મતદાર યાદીનો ઉલ્લેખ કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે અગાઉ કહ્યું હતું કે બિહારમાં 1 જાન્યુઆરી, 2003 ની મતદાર યાદીમાં નામ હોય તેવી કોઈપણ વ્યક્તિ બંધારણની કલમ 326 હેઠળ પ્રાથમિક દૃષ્ટિકોણથી મતદાન માટે પાત્ર ગણવામાં આવશે. એટલે કે જે લોકોના નામ એ મતદાર યાદીમાં છે તેમને કોઈ દસ્તાવેજ સબમિટ કરવાની જરૂર નથી.
તેમણે કહ્યું કે કમિશન ટૂંક સમયમાં બિહારની વર્ષ 2003 ની મતદાર યાદીની તેની વેબસાઇટ પર અપલોડ કરશે.