ટોપ ન્યૂઝનેશનલ

Election Commissioner: છેલ્લી 5 લોકસભા ચૂંટણી દરમિયાન CEC સહિત આટલા ચૂંટણી કમિશનર બદલાયા

લોકસભા ચૂંટણી 2024 માટે તૈયારીઓ ચાલી રહી છે, એવામાં શનિવારે ચૂંટણી કમિશનર અરુણ ગોયલે અચાનક રાજીનામું આપી દેતા વાદ વિવાદ શરુ થયા છે. આ પહેલા ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો હતો, જેમના સ્થાને કોઈ નિમણુક કરવામાં આવી ન હતી.

હવે ચૂંટણી પંચની પેનલમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ બાકી રહ્યા છે. કમિશન પેનલમાં CEC સહિત ત્રણ કમિશનર હોય છે અને અરુણ ગોયલના રાજીનામા અને અનુપ પાંડેના નિવૃત્તિ પછી, હવે સમગ્ર જવાબદારી રાજીવ કુમારના ખભા પર છે.

બાકીની બે જગ્યાઓ ક્યારે ભરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. તાજેતરમાં પસાર થયેલા નવા કાયદા મુજબ હવે ચૂંટણી કમિશનરોની નિમણૂક કરવામાં આવશે. જેની પસંદગી વડાપ્રધાન, લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કેન્દ્રીય પ્રધાનની બનેલી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર, વર્ષ 2000થી 2019ના સમયગાળા દરમિયાન 13 મુખ્ય ચૂંટણી કમિશનર અને એક ચૂંટણી કમિશનર રહી ચૂક્યા છે. 30 સપ્ટેમ્બર 1999થી ચૂંટણી કમિશનરનું પદ 22 ઓક્ટોબર 2018 સુધી ખાલી રહ્યું હતું. અશોક લવાસા 23 ઓક્ટોબર 2018ના રોજ ચૂંટણી કમિશનર તરીકે જોડાયા હતા.

2000થી 2019 સુધી મુખ્ય ચૂંટણી કમિશનરનો યાદી:

  1. ડૉ. એમ.એસ. ગિલ
    વર્ષ 1999માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે તે સમયે મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ. એમ. એસ. ગીલ હતા. તેમને 12 ડિસેમ્બર 1996ના રોજ CEC બનાવવામાં આવ્યા હતા અને 13 જૂન 2001 સુધી આ પદ પર રહ્યા હતા.
  2. જેએમ લિંગદોહ
    14 જૂન 2001ના રોજ જેએમ લિંગદોહે આ પદ સંભાળ્યું અને તેઓ 7 ફેબ્રુઆરી 2004 સુધી CEC રહ્યા.
  3. ટીએસ કૃષ્ણમૂર્તિ
    8 ફેબ્રુઆરી 2004ના રોજ, સરકારે ટીએસ કૃષ્ણમૂર્તિને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા અને તેઓ 15 મે 2005 સુધી આ પદ પર રહ્યા. 2004માં યોજાયેલી લોકસભાની ચૂંટણી ટી.એસ. કૃષ્ણમૂર્તિની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.
  4. બીબી ટંડન
    ટીએસ કૃષ્ણમૂર્તિ પછી બીબી ટંડનને 16 મે 2005ના રોજ આ પદની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ 29 જૂન 2006 સુધી CEC રહ્યા.
  5. એન ગોપાલસ્વામી
    આ પછી, 30 જૂન, 2006 ના રોજ, એન. ગોપાલસ્વામીને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા, જેઓ 20 એપ્રિલ, 2009 સુધી આ પદ પર રહ્યા. વર્ષ 2009માં તેમની દેખરેખ હેઠળ લોકસભાની ચૂંટણી યોજાઈ હતી.
  6. નવીન બી ચાવલા
    એન ગોપાલસ્વામી બાદ આ જવાબદારી નવીન બી ચાવલાને આપવામાં આવી હતી. તેમણે 21 એપ્રિલ 2009 થી 29 જુલાઈ 2010 સુધી આ પદ સંભાળ્યું હતું.
  7. ડૉ.એસ.વાય. કુરેશી
    આ પછી ડૉ.એસ.વાય. કુરેશીને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ પદ પર 30 જુલાઈ 2010 થી 10 જૂન 2012 સુધી રહ્યા હતા.
  8. વી.એસ. સંપથ
    એસવાય કુરેશી પછી, આ પોસ્ટ વીએસ સંપત પાસે રહી, જેમણે 11 જૂન 2012 થી 15 જાન્યુઆરી 2015 સુધી આ પદ સંભાળ્યું. 2014ની લોકસભા ચૂંટણી વી.એસ. સંપથની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.
  9. એચએસ બ્રહ્મા
    વીએસ સંપત પછી એચએસ બ્રહ્માને 16 જાન્યુઆરી 2015ના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા. તેઓ 18 એપ્રિલ 2015 સુધી આ પદ પર રહ્યા હતા.
  10. ડો.નસીમ ઝૈદી
    એસ એચ બ્રહ્માના 4 મહિનાના કાર્યકાળ પછી, આ જવાબદારી 19 એપ્રિલ 2015 ના રોજ ડૉ. નસીમ ઝૈદીને આપવામાં આવી હતી, જેમણે 05 જુલાઈ 2017 સુધી આ જવાબદારી નિભાવી હતી.
  11. એકે જ્યોતિ
    6 જુલાઈ 2017 ના રોજ, એકે જોતીને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા હતા, જેઓ 22 જાન્યુઆરી 2018 સુધી આ પદ પર રહ્યા હતા.
  12. ઓપી રાવત
    ઓપી રાવત 23 જાન્યુઆરી 2018 થી 01 ડિસેમ્બર 2018 સુધી મુખ્ય ચૂંટણી કમિશનર હતા.
  13. સુનીલ અરોરા
    સુનીલ અરોરા 02 ડિસેમ્બર 2018 થી 12 એપ્રિલ 2021 સુધી મુખ્ય ચૂંટણી કમિશનર હતા. 2019ની લોકસભા ચૂંટણી પણ તેમની દેખરેખ હેઠળ યોજાઈ હતી.
    અહેવાલો અનુસાર અરુણ ગોયલે અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરકારે તેમને પદ છોડતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ માહિતી મળી હતી કે તેમણે સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને કારણે રાજીનામું આપ્યું હતું, જેને અધિકારીઓએ નકારી કાઢ્યું હતું અને કહ્યું હતું કે તેઓ એકદમ સ્વસ્થ છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું કે સીઈસી રાજીવ કુમાર અને અરુણ ગોયલ વચ્ચે ફાઈલને લઈને મતભેદ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button