
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. બંને રાજ્યોમાં રાજકીય પક્ષો વચ્ચે વાકયુદ્ધ થઈ રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસે એકબીજા વિરુદ્ધ વાકયુદ્ધને લઈ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. ચૂંટણી પંચે બંને પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષો પાસેથી જવાબ માંગ્યો છે. ચૂંટણી પંચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાને પત્ર લખીને માફી માંગવાની માંગ કરી છે. તેમજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસે ભાજપની ફરિયાદનો જવાબ માંગ્યો છે. ચૂંટણી પંચે બંને પક્ષના અધ્યક્ષો પાસેથી 18 નવેમ્બરે બપોરે 1 વાગ્યા સુધીમાં ઔપચારિક જવાબ માંગ્યો છે. ચૂંટણી પંચે બંને પક્ષોને લોકસભા ચૂંટણી દરમિયાન બહાર પાડવામાં આવેલી અગાઉની સલાહની પણ યાદ અપાવી હતી. જેમાં સ્ટાર પ્રચારકો અને નેતાઓ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : એકસ્ટ્રા અફેર: સની ટોરન્ટોને ક્લીન ચિટ, કૅનેડા આતંકીઓને કંઈ નહીં કરે
કોંગ્રેસે 14 નવેમ્બરે ચૂંટણી પ્રચાર દરમિયાન ખોટા, વિભાજનકારી, દુર્ભાવનાપૂર્ણ અને નિંદનીય નિવેદનો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. વિપક્ષી દળોએ ચૂંટણી પંચને મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બાકીના ચૂંટણી પ્રચાર માટે પીએમ મોદી અને શાહને ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવા અને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસે ચૂંટણી પ્રચાર દરમિયાન નફરત ફેલાવતા ભાષણ આપનારા ભાજપના તમામ નેતાઓ સામે ફોજદારી કેસ નોંધવા માટે નિર્દેશની માંગ કરી હતી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે 8 નવેમ્બરે પીએમ મોદીએ મહારાષ્ટ્રના નાસિક અને ધુળેમાં ચૂંટણી રેલીઓ દરમિયાન કોંગ્રેસ અને તેના સહયોગીઓને નિશાન બનાવતા અનેક ખોટા, દુર્ભાવનાપૂર્ણ અને નિંદાત્મક નિવેદનો આપ્યા હતા. પોતાના ભાષણોમાં તેમણે કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પર આરોપ લગાવ્યો હતો.
ભાજપે 11 નવેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભાજપે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ રાજ્યોને એકબીજાની વિરુદ્ધ ઉભા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે બંધારણનું ઉલ્લંઘન કર્યું અને ખોટું બોલ્યા કે ભાજપ બંધારણને નષ્ટ કરવા જઈ રહી છે. આ જૂઠ છે. અમે કમિશનને કહ્યું છે કે તેને રોકવું જોઈએ. અમે આયોગને એમ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધીને આવું કરવાની આદત છે અને ચેતવણીઓ અને નોટિસો પછી પણ તેઓ આમ કરવાથી પીછેહઠ કરી રહ્યા નથી. અમે રાહુલ ગાંધી વિરુદ્ધ બીએનએસની કલમ 353 હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.
આ પણ વાંચો : ટીન અને નિકલમાં જળવાતી પીછેહઠ, અન્ય ધાતુમાં મિશ્ર વલણ