ચૂંટણી પંચનો મોટો નિર્ણયઃ ગુજરાત સહિત 6 રાજ્યમાં SIRની સમયમર્યાદા લંબાવી

કામગીરી પૂરી ન થતાં ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ સહિત છ રાજ્યોને આપી રાહત, જાણો નવી તારીખો
નવી દિલ્હી: સમગ્ર દેશમાં ચૂંટણી પંચ દ્વારા તબક્કાવાર રીતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR)ની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં બીજા તબક્કાની કામગીરી ચાલી રહી છે, જેમાં ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત સહિતના 12 રાજ્યમાં SIRની કામગીરી પૂરી કરવાનો આજે છેલ્લો દિવસ હતો, પરંતુ કામગીરી પૂરી નહીં થઈ હોવાથી ચૂંટણી પંચ દ્વારા છ રાજ્યમાં કામગીરી પૂર્ણ કરવાની સમયમર્યાદા લંબાવી છે.
6 રાજ્યોમાં SIRની સુસ્ત કામગીરી
ભારતના ચૂંટણી પંચે આજે SIRની કામગીરીને લઈને એક ખાસ બેઠકનું આયોજન કર્યું હતું. હાલ SIRનો બીજો તબક્કો ચાલી રહ્યો હતો, જેમાં અંદમાન-નિકોબાર ટાપુ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પોડિંચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આજે આ કામગીરી પૂર્ણ કરવાનો છેલ્લો દિવસ હતો. જોકે, કેટલાક રાજ્યોમાં SIRની કામગીરી હજુ પણ પૂરી ન થઈ નથી, તેથી છ રાજ્ય માટે SIRની કામગીરીની મુદ્દત વધારી છે.
આ પણ વાંચો : SIR: મતદારોના ફોર્મ પરત લેવાનો આવતીકાલે છેલ્લો દિવસ, જાણો અત્યાર સુધીની વિગતો
ગુજરાતના BLOને પણ મળશે રાહત
ચૂંટણી પંચ દ્વારા SIRની કામગીરીની મુદ્દત વધારી છે, જેમાં તમિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અંદમાન-નિકોબાર અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. અગાઉ તમિલનાડુ અને ગુજરાત માટે ડ્રાફ્ટ રોલ પબ્લિશ કરવાનીને તારીખ 14 ડિસેમ્બર હતી. જેને બદલીને 19 ડિસેમ્બર કરવામાં આવી છે. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને આંદામાન-નિકોબારને ડ્રાફ્ટ રોલ પબ્લિશ કરવા માટે 18 ડિસેમ્બરનો સમય આપવામાં આવ્યો હતો. જેને વધારીને 23 ડિસેમ્બર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશને ડ્રાફ્ટ રોલ પબ્લિશ કરવા માટે 26 ડિસેમ્બરનો સમય આપવામાં આવ્યો હતો. જેની મુદ્દત વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે SIRની કામગીરી કરી રહેલા BLOsને આપી મોટી રાહત, રાજ્ય સરકારોને આપ્યા આવા નિર્દેશો

અગાઉ કેરળ માટે વધારી હતી મુદ્દત
ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉપરોક્ત રાજ્યોમાં સુધારેલી ગણતરી માટે 11 ડિસેમ્બર 2025 સુધીનો સમય આપવામાં આવ્યો હતો અને સુધારેલ ડ્રાફ્ટ રોલ પબ્લિશ કરવા માટે 16 ડિસેમ્બર 2025 સુધીનો સમય આપ્યો હતો. આ પહેલા કેરળ માટે SIRની કામગીરીની મુદ્દત લંબાવી હતી. કેરળમાં સુધારેલી ગણતરી માટે 18 ડિસેમ્બર તથા સુધારેલ ડ્રાફ્ટ પબ્લિશ કરવા માટે 23 ડિસેમ્બરનો સમય આપવામાં આવ્યો છે.



