ચૂંટણી પંચનો મોટો નિર્ણય: 474 રાજકીય પક્ષોની માન્યતા રદ્દ

નવી દિલ્હી: રાહુલ ગાંધીના નિવેદનોને કારણે છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી પંચ સતત ચર્ચામાં રહ્યું છે, પરંતુ આજે ચૂંટણી પંચે એક મોટો નિર્ણય લીધો છે. નિર્ધારિત માપદંડો અને નિયમોનું પાલન નહીં કરનારી 474 વધુ પાર્ટીને યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. માન્યતા વિનાના પક્ષો પર ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 6 વર્ષમાં ચૂંટણી નહીં લડનારા તેમ જ નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે 474 વધુ નોંધાયેલા બિનમાન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.
ચૂંટણી પંચે કેમ લીધો આ નિર્ણય
ચૂંટણી પંચના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 29એ અને ચૂંટણી પ્રતીક (અનામત અને ફાળવણી) આદેશ, 1968 હેઠળ, તેની નોંધણી રદ કરવામાં આવશે. આ નિયમો જણાવે છે કે, જો કોઈ નોંધાયેલ પક્ષ સતત 6 વર્ષ સુધી લોકસભા, વિધાનસભા અથવા સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાગ નથી લેતો તો ચૂંટણી પંચ તેની નોંધણી રદ્દ કરી શકે છે.
મહારાષ્ટ્રની 44 રાજકીય પાર્ટીનું રજિસ્ટ્રેશન સમાપ્ત
આ નિયમ હેઠળ ચૂંટણી પંચે 474 રાજકીય પક્ષોની નોંધણી સમાપ્ત કરી દીધી છે. જેમાં 23 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે, જે પૈકી સૌથી વધારે 121 રાજકીય પાર્ટી ઉત્તર પ્રદેશની છે. આ સિવાય બિહારની 15, હરિયાણાની 17, મધ્ય પ્રદેશની 23, પંજાબની 21 તથા મહારાષ્ટ્રની 44 રાજકીય પાર્ટીની નોંધણી સમાપ્ત કરવામાં આવી છે.
359 રાજકીય પાર્ટી ચૂંટણી પંચના રડારમાં
આ અગાઉ ઓગસ્ટ મહિનામાં 334 તથા જૂન મહિનામાં 345 રાજકીય પક્ષોની નોંધણી સમાપ્ત કરવામાં આવી હતી.આમ, ઓગસ્ટથી લઈને અત્યારસુધી ચૂંટણી પંચ દ્વારા 800થી વધુ રાજકીય પક્ષોની નોંધણી સમાપ્ત કરવામાં આવી છે. આ સિવાય ચૂંટણી પંચની રડારમાં હજુ બીજી 359 રાજકીય પાર્ટીઓ છે. જેણે છેલ્લા 6 વર્ષમાં ચૂંટણી તો લડી છે. પરંતુ છેલ્લા 3 વર્ષમાં પોતાની ફાઈનાન્શિયલ ઓડિટ વિશે માહિતી આપી નથી.