નેશનલ

શોકિંગઃ પૂર્વ નેવી ચીફને ચૂંટણી પંચની નોટિસ, જાણો શા માટે આપવી પડી ઓળખ?

નવી દિલ્હી: ચૂંટણી પંચ (ઈલેક્શન કમિશન) દ્વારા હાથ ધરવામાં આવેલી ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) પ્રક્રિયા હેઠળ દેશના પૂર્વ નેવી ચીફ એડમિરલ અરુણ પ્રકાશ (રિટાયર્ડ)ને એક નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસમાં તેમને અને તેમના પત્નીને પોતાની ઓળખ સાબિત કરવા માટે જણાવવામાં આવ્યું હતું. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધના વીર ચક્ર વિજેતા અને દેશના સન્માનનીય લશ્કરી અધિકારીને આવી નોટિસ મળતા સોશિયલ મીડિયા પર લોકોએ ભારે રોષ અને ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, આ વિવાદ વધતા હવે ચૂંટણી પંચે સોમવારે સત્તાવાર સ્પષ્ટતા આપી છે.

શા માટે મોકલવામાં આવી હતી નોટિસ?
ચૂંટણી પંચના અધિકારી ડૉ. મેડોરા એરમોમિલા ડી કોસ્ટાએ જણાવ્યું હતું કે, એડમિરલ અરુણ પ્રકાશ દ્વારા જમા કરવામાં આવેલા ફોર્મમાં કેટલીક ટેકનિકલ ખામીઓ હતી. SIR પ્રક્રિયા દરમિયાન રજૂ કરાયેલા કેલ્ક્યુલેશન ફોર્મમાં મતદારનું નામ, EPIC નંબર (મતદાર કાર્ડ નંબર), સંબંધીનું નામ અને વિધાનસભા ક્ષેત્ર જેવી ફરજિયાત વિગતો અધૂરી હતી. આ માહિતીના અભાવે ચૂંટણી પંચની ઓટોમેટિક સિસ્ટમ જૂના ડેટાબેઝ સાથે તેમનું જોડાણ સ્થાપિત કરી શકી નહોતી, જેના કારણે સિસ્ટમે તેને ‘અનમેપ્ડ’ કેટેગરીમાં મૂકી દીધા હતા.

અધિકારીએ વધુમાં સ્પષ્ટ કર્યું કે, ચૂંટણી પંચની ‘BLO એપ્લિકેશન’ એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જો બધી વિગતો યોગ્ય રીતે ભરાયેલી હોય તો જ તે ડેટાનું ઓટોમેટિક વેરિફિકેશન કરે છે. જ્યારે વિગતો મેચ ન થાય, ત્યારે નિયમ મુજબ મતદારની પાત્રતાની પુષ્ટિ કરવા માટે સિસ્ટમ દ્વારા આપમેળે વેરિફિકેશન નોટિસ જનરેટ કરવામાં આવે છે. આ એક સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે જે કોઈપણ મતદાર માટે સમાન રીતે લાગુ પડે છે, જેથી મતદાર યાદીમાં પારદર્શિતા જળવાઈ રહે.

આ સમગ્ર મામલે પૂર્વ નેવી ચીફે ગરિમાપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “મેં ક્યારેય કોઈ ખાસ સુવિધાની માંગણી કરી નથી. હું અને મારા પત્ની ગોવાની ડ્રાફ્ટ મતદાર યાદીમાં નામ જોઈને ખુશ હતા.” તેમણે વધુમાં ઉમેર્યું કે, એક જવાબદાર નાગરિક તરીકે તેઓ ચૂંટણી પંચની નોટિસનું પાલન કરશે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરશે. નિવૃત્તિ બાદ ગોવામાં સ્થાયી થયેલા એડમિરલે આ બાબતને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સ્વીકારી છે.

આપણ વાંચો:  પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની તબિયત લથડી: દિલ્હી AIIMSમાં દાખલ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button