જૂનમાં ફરી જામશે ચૂંટણીનો માહોલ! 4 રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત

નવી દિલ્હી: દેશનાં ચાર રાજ્યોમાં ફરી ચૂંટણીની માહોલ જોવા મળી શકે છે. ભારતીય ચૂંટણી પંચે આજે દેશના ચાર રાજ્યો ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચિમ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. આ પાંચેય બેઠકો ખાલી પડવાનું કારણ ધારાસભ્યોના રાજીનામા કે નિધન છે. આ બેઠકો માટે 19 જૂન, 2025ના રોજ મતદાન થશે અને 23 જૂન, 2025ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
કઈ બેઠકો પર પેટાચૂંટણી?
દેશના ચાર રાજ્યોની કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતની કડી બેઠક કે જે ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના નિધનને કારણે ખાલી પડી હતી અને જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામાને કારણે ખાલી હતી, તે બંને બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
કોચી નજીક દરિયામાં મોટી દુર્ઘટના ટળી, દુર્ઘટના ગ્રસ્ત જહાજમાંથી 24 લોકોને બચાવી લેવાયા
તે ઉપરાંત કેરળની નિલામ્બુર બેઠક પી.વી. અનવરના રાજીનામાને કારણે ખાલી પડી છે, પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક ગુરપ્રીત બસ્સી ગોગીના નિધનને કારણે ખાલી છે તેમજ પશ્ચિમ બંગાળની કાલીગંજ બેઠક નસીરુદ્દીન અહેમદના નિધનને કારણે ખાલી છે. આ ત્રણે બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામા આવી છે.
19મીએ આ બેઠકો પર મતદાન
ચૂંટણી પંચ દ્વારા જે બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે ત્યાં 26મી મેના રોજ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, તેમજ 2જી જૂન ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ રહેશે. ઉમેદવારે 5મી જૂન સુધીમાં ઉમેદવારી પાછી ખેંચવાની રહેશે. 19 મી જૂનના રોજ આ બેઠકો પર મતદાન થશે તેમજ 23મી મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.