Election 2024: ભાજપ ઇલેક્શન મોડમાં, ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી

નવી દિલ્હી : દેશમાં લોકસભાની ચૂંટણી(Loksabha Election)યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામો 4 જૂને આવ્યા હતા. આ ચૂંટણીઓમાં ભાજપના(BJP) નેતૃત્વમાં એનડીએને(NDA) બહુમતી મળી છે. ત્યારે ભાજપ હવે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ચાર રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી(Election 2024)માટે પ્રભારીઓની નિમણૂક કરી છે. મહારાષ્ટ્રમાં ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી અને અશ્વિની વૈષ્ણવને સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
હરિયાણામાં ધર્મેન્દ્ર પ્રધાનને ચૂંટણી પ્રભારી અને બિપ્લબ દેબને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે ઝારખંડની જવાબદારી શિવરાજ સિંહને આપવામાં આવી છે. અહીં હિમંતા બિસ્વા સરમાને સહ-પ્રભારી બનાવવામાં આવ્યા છે. તેમજ જમ્મુ-કાશ્મીરની જવાબદારી જી. કિશન રેડ્ડીને આપવામાં આવી છે.
વર્ષના અંત સુધીમાં ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી
આ વર્ષના અંત સુધીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપે ચારેય રાજ્યોમાં પ્રભારી અને સહપ્રભારીઓના નામની જાહેરાત કરી છે.
ઝારખંડમાં 81 બેઠકો સાથે ચૂંટણી થવાની સંભાવના
મહારાષ્ટ્રમાં વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષના અંતમાં પૂરો થવાનો છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો સાથે ઓક્ટોબર અથવા તે પહેલા વિધાનસભા ચૂંટણી યોજાઈ શકે છે. ઝારખંડમાં સરકારનો કાર્યકાળ 5 જાન્યુઆરી, 2025 ના રોજ સમાપ્ત થવાનો છે. છેલ્લી વખત અહીં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આ વખતે પણ નવેમ્બર-ડિસેમ્બર અથવા તે પૂર્વે ઝારખંડમાં 81 બેઠકો સાથે ચૂંટણી થવાની સંભાવના છે.
જમ્મુ-કાશ્મીરમાં સપ્ટેમ્બર પૂર્વે વિધાનસભાની ચૂંટણી
તેવી જ રીતે હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ 3 નવેમ્બર 2024ના રોજ પૂરો થવાનો છે. અહીં છેલ્લી વિધાનસભા ચૂંટણી ઓક્ટોબર 2019માં યોજાઈ હતી. આવી સ્થિતિમાં આ વખતે પણ ઓક્ટોબર કે તે પહેલા ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જમ્મુ-કાશ્મીરમાં સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં જમ્મુ-કાશ્મીરમાં સપ્ટેમ્બર કે તે પૂર્વે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.