હું મુખ્ય પ્રધાન નહોતો બનવા માગતો પણ….. સીએમ શિંદેના ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર

મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હાલમાં જણાવ્યું હતું કે તેઓ મુખ્ય પ્રધાન બનવા માંગતા ન હતા પરંતુ બાળ ઠાકરેની વિચારધારા સાથે ચેડા થતા જોઈને તેમણે બળવો કરવો પડ્યો હતો. સીએમ નાગપુરના રામટેકમાં શિવસેનાના કાર્યકર્તાઓની બેઠકને સંબોધી રહ્યા હતા. સીએમ શિંદેએ કહ્યું હતું કે તેમણે શિવસેના સામે એટલા માટે બળવો કર્યો હતો કારણ કે ઉદ્ધવ ઠાકરેએ બાળ ઠાકરેની વિચારધારા છોડી દીધી હતી. તેમણે એમ પણ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ અમને નોકર સમજીને વર્તવા માંડ્યા હતા.
આ બેઠકમાં મુખ્ય પ્રધાન શિંદેએ શિવસેનાના બળવા અંગે ખુલીને વાત કરી હતી. શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરે અમારી સાથે, પાર્ટીના લોકો સાથે મિત્રોની જેમ વર્ત્યા પરંતુ ઉદ્ધવ એવા નહોતા. તેઓ અમને ઘરના નોકર માનવા માંડ્યા હતા. શિંદેએ ઉદ્ધવ પર શિવસેનાના સ્થાપક બાળાસાહેબની વિચારધારાથી ભટકવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે બાળ ઠાકરેની વિચારધારા સાથે ચેડા થતા જોઈને તેમણે પાર્ટી સામે બળવો કર્યો.
સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હોવા છતાં તેઓ કાર્યકર તરીકે કામ કરે છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીમાં કોઈ નોકર કે કોઈ માસ્ટર નથી. તેના બદલે, દરેક વ્યક્તિ એકબીજા સાથે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીમાં એવું નથી કે માત્ર રાજાનો પુત્ર જ રાજા બને, પરંતુ જે કામ કરશે તે જ રાજા બનશે.
સીએમ શિંદેએ એમ પણ જણાવ્યું હતું કે જ્યારે નેતાઓ ઘરે બેસી રહેવાને બદલે પાયાના સ્તરના કાર્યકરો સુધી પહોંચે છે ત્યારે પાર્ટી આગળ વધે છે. વિપક્ષ પાસે વિકાસનો કોઇ એજન્ડા નહીં હોવાનો દાવો કરતા તેમણે લોકોને નરેન્દ્ર મોદીને ફરી એકવાર વડાપ્રધાન બનાવવા માટે શાસક ગઠબંધનની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરી હતી.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી મતદાન શરૂ થશે. મહારાષ્ટ્રની વાત કરીએ તો રાજ્યની 48 લોકસભા સીટો માટે પાંચ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે રામટેક, નાગપુર, ભંડારા-ગોંદિયા, ગઢચિરોલી-ચિમુર અને ચંદ્રપુરની બેઠકો પર મતદાન થશે. મુંબઇમાં 20 મેના રોજ મતદાન થશે.



