ભારતમાં યોજાશે અઢારમી BRICS સમિટ: જયશંકરે લોન્ચ કર્યો ખાસ લોગો, જાણો વિશેષતા

નવી દિલ્હી: BRICS સંગઠનમાં હાલ કુલ 10 દેશનો સમાવેશ થાય છે. બ્રાઝિલનો પણ આ દેશોમાં સમાવેશ થાય છે. વર્ષ 2025માં બ્રાઝિલે BRICSની 17મી સમિટ હોસ્ટ કરી હતી. હવે 2026માં ભારત ખાતે BRICSની 18મી સમિટ યોજાવામાં આવશે. ભારત સરકારે BRICS સમિટ હોસ્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. આજે BRICSની 18મી સમિટનો લોગો અને વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. BRICSની 18મી સમિટનો લોગો આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
BRICSના લોગોમાં શું છે ખાસ?
ભારત સરકારના કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે આજે BRICSની 18મી સમિટના લોગો અને વેબસાઈટ લોન્ચ કરી છે. વેબસાઈટમાં BRICS સાથે જોડાયેલી તમામ પ્રકારની માહિતી મળી જશે, જેમાં BRICSની પહેલ, પ્રોજેક્ટ, કાર્યક્રમ અને સત્તાવાર દસ્તાવેજો પણ જોવા મળશે.
ખાસ વાત એ છે કે BRICSના લોગોમાં ‘કમળ’ જોવા મળ્યું છે. આ પ્રસંગે એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતની અધ્યક્ષતા દરમિયાન BRICS ગૃપ દ્વારા વૈશ્વિક કલ્યાણને આગળ ધપાવવા પર જોર આપવામાં આવશે. ખાસ કરીને ત્યારે, જ્યારે આ ગૃપ પોતાની 20મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે.
BRICSના લોગોમાં ‘કમળ’નો અર્થ
જોકે, BRICSના લોગોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે, કારણ કે લોગોમાં ‘કમળ’ જોવા મળ્યું છે. અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આ લોગોની પ્રેરણા કમળના ફૂલમાંથી લેવામાં આવી છે, જે ભારતની સાંસ્કૃતિક વિરાસત અને મજબૂતીનું પ્રતીક છે.
લોગોમાં ‘કમળ’ના જુદા જુદા રંગના પાંચ પાંદડા જોવા મળ્યા છે. જે BRICSના પાંચ મુખ્ય દેશોને દર્શાવે છે અને તે જુદા જુદા અવાજોને એક સહિયારા હેતુ સાથે જોડે છે. લોગોની વચ્ચે નમસ્કારનું ચિન્હ છે. જે સમ્માન અને સહયોગની લાગણી વ્યક્ત કરે છે. લોગોની નીચે અંગ્રેજીમાં લખાયેલું છે કે બિલ્ડિંગ ફોર રિસાયલન્સ, ઈનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી. આ થીમ અને એનો મેસેજ આપે છે કે આપણી ક્ષમતાઓને મજબૂત બનાવવા, નવીનતાને પ્રોત્સાહન આપવા અને બધાના લાભ માટે વિકાસ સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂકે છે.



