એજ્યુકેશન ફર્સ્ટઃ નક્સલગ્રસ્ત ગામમાં બીજે વર્ષે પરીક્ષાના પેપર્સ હેલિકોપ્ટરથી પહોંચાડ્યા
સુક્માઃ છત્તીસગઢ સરકારે બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રો રાજ્યના નક્સલ પ્રભાવિત સુક્મા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સ્થિત પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી.
છત્તીસગઢ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીજીબીએસઇ)ની ધોરણ ૧૨ની પરીક્ષા શુક્રવારથી શરૂ થઇ છે, જ્યારે ધોરણ દસ બોર્ડની પરીક્ષાઓ શનિવારથી શરૂ થવાની છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સતત બીજું વર્ષ છે કે સુક્માના જગરગુંડા પરીક્ષા કેન્દ્ર સુધી બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રો પહોંચાડવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ગુરૂવારે રાત્રે મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાંઇના કાર્યાલયે તેના એક્સ હેન્ડલ પર જગરગુંડામાં કેન્દ્રને બોર્ડ પરીક્ષાના પ્રશ્નપત્રો પહોંચાડતા હેલિકોપ્ટરની તસવીરો પોસ્ટ કરી અને લખ્યું કે તેમના રાજ્યમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય સર્વોચ્ય પ્રાથમિકતા છે.
એક્સ પોસ્ટમાં કહેવાયું છે કે આ અમારું છત્તીસગઢ છે, જ્યાં બાળકોનું ભવિષ્ય અમારી સૌથી મોટી ચિંતા છે. હેલિકોપ્ટર દ્વારા સુક્માના જગરગુંડામાં પ્રશ્નપત્રો મોકલવામાં આવ્યા હતા. ૧લી માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોની પ્રશંસા કરતા સીએમ સાંઇએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારોમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં જે પહેલ કરવામાં આવી છે તે પ્રશંસનીય છે.
જિલ્લા વહીવટી અધિકારીના જણાવ્યા અનુસાર સુક્મા જિલ્લામાં બોર્ડ પરીક્ષા માટેના ૧૬ કેન્દ્રોમાંથી, પ્રશ્નપત્રો સુરક્ષા કારણોસર ૨૭ ફેબ્રુઆરીના રોજ હેલિકોપ્ટર દ્વારા જગરગુંડા કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. વિવિધ શાળાઓમાંથી કુલ ૩૬ વિદ્યાર્થી છે, જેમાં ધોરણ ૧૨ના ૧૬ અને ધોરણ ૧૦ના ૨૦ વિદ્યાર્થી જગરગુંડા કેન્દ્ર પર પરીક્ષા આપશે.