યુપી સિરપ સિન્ડિકેટ પર EDની તવાઈ: અમદાવાદ સહિત 6 શહેરોમાં 25 સ્થળોએ દરોડા

નવી દિલ્હી: કોડીન યુક્ત કફ સિરપના ગેરકાયદેસર વેપાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ મુજબ આજે શુક્રવારે સવારે EDએ દેશભરના છ શહેરોમાં કફ સિરપ સિન્ડિકેટના 25 સ્થળોએ દરોડા પડ્યા છે. અહેવાલ મુજબ ED ની ટીમો લખનઉ, વારાણસી, અમદાવાદ, જૌનપુર, સહારનપુર અને રાંચીમાં તપાસ કરી રહી છે.
EDના અધિકારીઓએ ઉત્તર પ્રદેશના લખનઉમાં કોડીન યુક્ત કફ સિરપ હેરાફેરી કેસમાં મુખ્ય આરોપી STF કોન્સ્ટેબલ આલોક પ્રતાપ સિંહના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. દરોડા દરમિયાન અધિકારીઓને શંકાસ્પદ દસ્તાવેજો, બેંક ટ્રાન્ઝેક્શન ફાઇલો, ડિજિટલ ડિવાઈસીસ અને હવાલા ટ્રાન્ઝેક્શન સહીત ઘણાં પુરાવા મળ્યા છે, આગળની તપાસ માટે તમામ પુરાવાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આલોક પ્રતાપ સિંહ હાલમાં STFની કસ્ટડીમાં છે.
કફ સિરપ મામલે બે મહિનામાં 30થી વધુ FIR:
છેલ્લા કેટલાક મહિનોથી કફ સિરપ પીવાને કારને બાળકોના મોત થયા હોવાના અહેવાલ સતત મળી રહ્યા છે, હવે એજન્સીઓ આ કફ સિરપ સિન્ડિકેટ સામે કડક કાર્યવાહી કરી રહી છે, કોડીન યુક્ત કફ સિરપના ગેરકાયદે વેપાર મામલે છેલ્લા બે મહિનામાં 30 થી વધુ FIR નોંધવામાં આવી છે, જેના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસ નોંધ્યો છે અને કાર્યવાહી શરૂ કરી છે. ઉત્તર પ્રદેશ સરકારે આ મામલાની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(SIT) ની રચના કરી છે.
મુખ્ય આરોપી દેશ છોડીને ભાગ્યો:
અહેવાલ મુજબ આ મામલે તપાસ શરુ થયા બાદ મુખ્ય આરોપી શુભમ જયસ્વાલ દેશ છોડીને દુબઈમાં છુપાઈ ગયો છે. આ મામલે તેના પિતા ભોલા પ્રસાદ સહિત 32 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: આંધ્રપ્રદેશમાં ગમખ્વાર અકસ્માત: બસ ખીણમાં ખાબકી, 10 લોકોના મોત



