લીકર કેસમાં કેજરીવાલને EDનું તેડું: CM અરવિંદ કેજરીવાલને પાંચમું સમન્સ
નવી દિલ્હી: લીકર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એકવાર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ જારી કર્યું છે. EDએ કેજરીવાલને પાંચમી વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે EDના સમન્સને બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું હતું.
ED દ્વારા સતત સમન્સ જારી કરવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે આ તમામ પ્રક્રિયા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે.
ED તેને પૂછપરછના બહાને બોલાવીને તેની ધરપકડ કરવા માંગે છે. AAPનું કહેવું છે કે જો ED પૂછપરછ કરવા માંગે છે, તો તે તેના પ્રશ્નો લખીને કેજરીવાલને આપી શકે છે. અગાઉ, EDએ 17 જાન્યુઆરી, 3 જાન્યુઆરી, 21 ડિસેમ્બર અને 2 નવેમ્બરે દિલ્હીના મુખ્ય પ્રધાનને સમન્સ મોકલ્યા હતા, પરંતુ તેઓ હાજર થયા ન હતા.
આ બાબતે કેજરીવાલ કહે છે કે તે દરેક કાનૂની સમન્સ માનવા માટે તૈયાર છે પરંતુ ED દ્વારા મોકલેલું સમન્સ અગાઉ મોકલેલા સમન્સ જેવા જ ગેરકાયદેસર છે. વધુમાં તેઓ કહે છે કે મે મારૂ જીવન પારદર્શક રાખ્યું છે અને ઈમાનદારીથી જીવ્યો છું. મારી આગળ છુપાવવા જેવુ કશું જ નથી.
આપને જણાવી દઈએ કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા આ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ગયા વર્ષે ફેબ્રુઆરીથી જેલમાં છે. જેમાં કેજરીવાલને સમન્સ મોકલવામાં આવ્યા છે, તેમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવાની તૈયારી ચાલી રહી છે.
ગયા વર્ષે ઓક્ટોબરના પહેલા સપ્તાહમાં આમ આદમી પાર્ટીના અન્ય નેતા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ કેસમાં AAP નેતા વિજય નાયરની પણ ધરપકડ કરવામાં આવી છે.