ઝારખંડના ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાનને ઇડીનું સમન્સ, 14મી થશે પૂછપરછ
રાંચીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી)એ ઝારખંડના ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાન અને કોંગ્રેસના નેતા આલમગીર આલમને ૧૪ મેના રોજ મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હોવાની જાણકારી રવિવારે સત્તાવાર સૂત્રોએ આપી હતી.
નોંધનીય છે કે ફેડરલ એજન્સીએ ગયા અઠવાડિયે આલમના અંગત સચિવ સંજીવ લાલ અને તેમની સાથે જોડાયેલા ફ્લેટમાંથી રૂ. ૩૨ કરોડથી વધુની રોકડ જપ્ત કર્યા બાદ તેના ઘરેલું સહાયકની ધરપકડ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું કે ૭૦ વર્ષીય આલમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ તેમનું નિવેદન નોંધવા માટે મંગળવારે રાંચીમાં ઇડીની ઝોનલ ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ તપાસ રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગમાં કથિત ગેરરીતિઓ સાથે સંબંધિત છે.
ઝારખંડમાં ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાન રાજ્યની વિધાનસભાની પાકુડ સીટનું પ્રતિનિધિત્વ કરનારા આલમગીર સામે કાર્યવાહી ઝારખંડ ગ્રામીણ વિકાસના પૂર્વ ચીફ એન્જિનિયર વિરેન્દ્ર રામની સામે મની લોન્ડરિંગમાં ચાલી રહેલી તપાસ સંબંધમાં કરવામાં આવી હતી. ગયા વર્ષે તેમની ધરપકડ કરવામાં આવી હતી.