જંતર મંતર ખાતે દેખાવો કરી રહેલા આ TMC નેતાને EDએ સમન્સ પાઠવ્યું
દેશની રાજધાની દિલ્હીમાં જંતર મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા TMCના સાંસદો અને નેતાઓ સાથે દિલ્હી પોલીસના દુર્વ્યવહારની ઘટના બાદ હવે TMC સાંસદ અભિષેક બેનર્જીને EDનું તેડું આવ્યું છે. શિક્ષક ભરતી પ્રક્રિયામાં ગોટાળા સંદર્ભે પ્રવર્તમાન નિદેશાલયના અધિકારીઓએ સાંસદ અભિષેક બેનર્જીને 9 ઓક્ટોબરે હાજર થવાનું કહ્યું છે.
તપાસ એજન્સી EDએ અભિષેક ઉપરાંત તેમના પત્ની રુજીરા બેનરજીને પણ 11 ઓક્ટોબરે પૂછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. પશ્ચિમ બંગાળની શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હતી જેની તપાસ હાલ ED કરી રહી છે.
આ પહેલા પણ EDએ અભિષેક બેનરજીના માતાપિતા અમિત અને લતા બેનરજીને ભરતી ગોટાળા મામલે સમન્સ પાઠવ્યું હતું. EDએ સાંસદ અભિષેકને હાલ મોકલેલું સમન્સ એ બીજીવારનું સમન્સ છે. આ પહેલા 3 ઓક્ટોબરે EDએ અભિષેકને સમન્સ પાઠવ્યું હતું પરંતુ તેઓ હાજર થયા ન હતા. તેને બદલે તેઓ દિલ્હીમાં મનરેગાના કથિત બાકી ભંડોળ મામલે યોજાયેલી રેલીમાં સામેલ થયા હતા.