છેક હોંગકોંગ-થાઇલેન્ડથી ભારતમાં સાઇબર છેતરપિંડીનું મસમોટું કૌભાંડ; જેમા કમાયા 159 કરોડ…!
નવી દિલ્હીઃ દેશમા આજે સાઇબર ક્રાઇમની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે અને સામાન્ય લોકો તેનાં ભોગ બનતા હોય છે. પણ દેશમા આ ગંદી રમત કેવા કેવા સ્વરૂપે રમવામાં આવી રહી છે તેનાં પુરાવા એક તપાસમાં ઇડીને હાથ લાગ્યા છે.
કસ્ટમ અધિકારી, નકલી બેંકથી લઇને બધું જ નકલી તૈયાર કરીને શેલ કંપનીનો ઉપયોગ કરી કમાયેલા કાળા નાણાંને વ્હાઈટ મનીમાં ફેરવવામાં આવતી હતી.
IPOમાં રોકાણ કરી ઉચ્ચ વળતર આપવા માટેની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા. આ આખાયે સ્કેમનો દોરીસંચાર છેક હોંગકોંગ અને થાઇલેન્ડમાં રહીને કરવામાં આવતો હતો, જયારે તે માટે ભારતમાં પણ એક ગેંગ બનાવવામાં આવી હતી. જેણે મળીને કુલ 159.70 કરોડની કાળી કમાણી કરી હતી.
ઇડી દ્વારા ગયા મહિને જ બેંગલુરુની વિષેશ અદાલતમાં આઠ આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમા 24 કંપનીઓ અને તેના દ્વારા કમાવવામાં આવેલી 159ની આવક પણ સમાવવામાં આવી હતી. હાલ આઠે આરોપી જયુડિશિયલ કસ્ટડીમાં છે.
સ્પેશિયલ કોર્ટે આ ફરિયાદ કાને ધરી છે અને ત્યારબાદ ઇડીએ દેશની અન્ય તપાસ એજન્સીની ફરિયાદોનો આધાર લઈને આ કેસની તપાસ હાથ ધરી હતી. જેમા અજાણ્યા આરોપીઓ શેર બજાર-IPOમાં રોકાણ કરવા અને ઉચ્ચ વળતર આપવાની લાલચે લોકોને છેતર્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. વળી અમુક ભોગ બનનાર લોકો સાથે તો નકલી સીબીઆઇની ધરપકડનો ડર બતાવીને છેતરપિંડી કરવામાં આવી છે.
આપણ વાંચો: સાઇબર ક્રાઇમમાં ભયજનક વધારો, સતર્ક રહેવું જરૂરી, જાણો વિગત
ઈડીના જણાવ્યા અનુસાર જુદી જુદી સાઇબર ફ્રોડની ટેકનિક દ્વારા શેલ કંપનીઓમાં ખૂબ જ મોટી માત્રામાં નાણાંની હેરફેર કરવામાં આવી હતી. જેનાં માટે આરોપીઓએ નકલી શેર બજાર, ડિજિટલ ધરપકડ જેવા કીમિયાઓ અપનાવ્યા હતા.
સાથોસાથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરીને લોકોએ આ સ્કેમમાં ફસાવવામાં આવતાં હતાં. આરોપીઓ રોકાણની સામે ખૂબ ઉંચી રકમના રીટર્નનું લાલચ આપતા હતાં, જેનાં માટે લોકોમાં વિશ્વાસની ભાવના કેળવવા જાહેરાતનો ઉપયોગ કરવામાં આવતો હતો.
લોકોને રોકાણ કરવા અને પોતાની મૂડી ટ્રાન્સફર કરવા માટે આરોપીઓ નકલી અધિકારી બનીને લોકોને ફસાવતા હતાં. કાળી કમાણીને વ્હાઈટ મનીમા બદલવા માટે વ્યવસ્થિત જાળ પાથરી હોવાનું ઈડીની તપાસમાં બહાર આવ્યું છે. શેલ કંપનીનુ ખાતું અને વ્હોટ્સએપ ચલાવવા માટે વપરાયેલા અનેક સીમ કાર્ડ પણ ઈડીને મળી આવ્યાં છે.
આ સમગ્ર પ્રકરણમાં 24 જેટલી નકલી કંપનીઓ બનાવીને રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી માટે નકલી બેંક વ્યવહારો દર્શાવવામાં આવ્યાં હતાં. કમાણીને બદલવા માટે નવા નવા કિમિયાઓ અપનાવામાં આવ્યાં, અને આવક ક્રિપ્ટો કરન્સી સુધી પહોંચી ગઇ હતી. ઇડી દ્વારા દરોડા પાડીને આખાયે પ્રકરણનો ભેદ ઉકેલ્યો હતો.
જેમા છેક હોંગકોંગ અને થાઇલેન્ડમાં રહીને ભારતમાં આ સ્કેમનો દોરીસંચાર કરવામાં આવતો હતો. જેમા દેશના જ અમુક લોકોએ સાથ આપ્યો હતો એને સાઇબર છેતરપિંડી તેમજ મની લોન્ડ્રિંગને અંજામ આપ્યો હતો. ઇડી દ્વારા આરોપીઓની ધરપકડ કરીને આ કેસમાં અન્ય કોની કોની મદદ મળી હતી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.