Sandeshkhali: શાહજહાં શેખ પર ગાળિયો કસાયો! સંદેશ ખાલીમાં EDના દરોડા
કોલકાતા: પશ્ચિમ બંગાળ(West Bengal)ના ચર્ચિત સંદેશ ખાલી (Sandesh Khali) વિવાદના મુખ્ય આરોપી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પૂર્વ સ્થાનિક નેતા શાહજહાં શેખની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે વહેલી સવારે શાહજહાં શેખના ઘર પર દરોડા પડ્યા છે. EDની ટીમ સાથે કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો પણ તૈનાત છે. આઉપરાંત શેખની માલિકીના ઈંટના ભઠ્ઠા પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલાની શરૂઆત જાન્યુઆરી મહિનામાં સંદેશ ખાલીમાં EDના અધિકારીઓ પર હુમલા બાદથી થઇ હતી. 5 જાન્યુઆરીએ રાશન કૌભાંડ કેસમાં અકુંજીપારા સ્થિત શાહજહાં શેખના ઘરે તપાસ કરવા આવેલા ED અધિકારીઓ પર લગભગ 200 સ્થાનિક લોકોએ હુમલો કર્યો હતો, આ દરમિયાન કેટલક અધિકારીઓ ઘાયલ થયા હતા.
સુરક્ષા ખાતર હાલના દરોડા દરમિયાન મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સના જવાનો હાજર છે. મહિલા સેન્ટ્રલ ફોર્સની એક ટીમ પણ ED અધિકારીઓ સાથે છે. દરોડા માટે EDની ટીમો સવારે 6.30 વાગ્યે સંદેશખાલી પહોંચી હતી.
EDએ દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળના રાશન વિતરણમાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આ કેસમાં EDએ પહેલા બંગાળના પૂર્વ પ્રધાન જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. બાદમાં શાહજહાં શેખ અને બોનગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આદ્યની સંડોવણી હોવાનું જાણવા મળ્યું હતું.
આ કેસમાં તપાસ કરવા EDની ટીમ 5 જાન્યુઆરીના રોજ શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા જઈ રહી હતી ત્યારે કેટલાક લોકોએ ED અધિકારીઓ પર હુમલો કર્યો હતો. હુમલા બાદ શાહજહાં શેખ ફરાર થઈ ગયો હતો અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી, હાલ તે CBIની કસ્ટડીમાં છે.