બિહારમાં આરજેડી વિધાનસભ્યનાં પતિના નિવાસસ્થાને ઇડીના દરોડા

આરા/પટના: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે આરજેડી ધારાસભ્ય કિરણ દેવી, તેમના પતિ અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અરુણ યાદવ અને કેટલાક અન્ય લોકોના અપ્રમાણસર સંપત્તિ સાથે સંકળાયેલ મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે દરોડા પાડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે જ્યારે ઇડીના અધિકારીઓ કિરણ દેવીના ઘરે પહોંચ્યા ત્યારે તે ત્યાં હાજર ન હતા. ભોજપુરના આગિયાઓમાં વિધાનસભ્ય સાથે જોડાયેલા પરિસરમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. અરુણ યાદવ અને કિરણ દેવી સામે ઇડીનો મની લોન્ડરિંગનો કેસ બિહાર પોલીસ દ્વારા આરા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી કુલ ૧૬ ફરીયાદમાંથી ઉદ્ભવ્યો છે. એજન્સીએ ૨૦૨૧માં દંપતી વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યો હતો.
ઇડીએ અગાઉ આ તપાસના ભાગરૂપે અરુણ યાદવ અને પરિવારના કેટલાક સભ્યોના નિવેદનો નોંધ્યા હતા, તેમ જ યાદવ પરિવારના સંપત્તિના દસ્તાવેજો અને બેંક ખાતાના સ્ટેટમેન્ટ મેળવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે યાદવ પરિવારે આરા જિલ્લા અને પટનામાં ૯.૯૦ કરોડ રૂપિયાની કિંમતની ખેતીની જમીન, ફ્લેટ અને રહેણાંક પ્લોટ જેવી ૭૨ સ્થાવર મિલકતો હસ્તગત કરી હતી અને 2002-03 અને 2021-22ની વચ્ચે કથિત રીતે ૨૦.૫ કરોડ રૂપિયાની રોકડ જમા કરાવી હતી.
યાદવ અને કિરણ દેવીની પણ ઇડી દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કેસના સંબંધમાં તપાસ કરવામાં આવી રહી છે અને એજન્સીએ ગયા વર્ષે આ બે તપાસના ભાગરૂપે તેમના પર દરોડા પાડ્યા હતા.