મુંબઇમાં ગુજરાતીઓની કંપની પર ઇડીના દરોડા
₹ ૨૦.૧૧ કરોડની માલમત્તા જપ્ત
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં મુંબઈ સ્થિત કંપનીના પરિસરમાં દરોડા દરમિયાન રૂપિયા ૨૦.૧૧ કરોડની માલમત્તા જપ્ત કરી હતી.
અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે સોમવાર અને મંગળવારે હિતેશ આર જોબલિયા અને નિમેશ એન શાહની મેક્સ ફ્લેક્સ ઇમેજિંગ અને સિસ્ટમના વિવિધ પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉક્ત કાર્યવાહી દરમિયાન ફ્લેક્સ, વિનાઇલ અને રૂપિયા ૧૨ કરોડની અન્ય વસ્તુઓનો સ્ટોક, રૂપિયા સવા કરોડની એફડીઆર, રૂપિયા ૬.૩૦ કરોડનું વિદેશી ચલણ, રોકડ, સોનાના દાગીના અને ચાંદીની લગડી મળીને કુલ રૂપિયા ૨૦.૧૧ કરોડની માલમત્તા જપ્ત કરવામાં આવી હતી.
સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાના નેતૃત્વ હેઠળના ક્ધસોર્ટિયમને થયેલા ૪૬૪.૪૧ કરોડ રૂપિયાના કથિત નુકસાનના સંબંધમાં સીબીઆઈએ કંપની સામે કેસ કર્યો હતો.
આ કથિત ગુનાના આધારે, ઇડીએ કંપની વિરુદ્ધ મની લોન્ડિંરગની તપાસ શરૂ કરી હતી.
કંપનીના પ્રમોટર્સે વિવિધ બૅન્કો પાસેથી મળેલા ભંડોળનો ઉપયોગ પ્રોપર્ટી ખરીદવા માટે અને તે કંપનીના કર્મચારીઓ/ભૂતપૂર્વ કર્મચારી/સંબંધીઓ અને તેના ડિરેક્ટરોના નામે સમાવિષ્ટ વિવિધ કંપનીઓ ડાયવર્ટ કર્યો હતો.