Top Newsનેશનલ

ગુજરાત સહિત 10 રાજ્યમાં EDના દરોડાથી શિક્ષણ ક્ષેત્રમાં કેમ મચી ગયો ખળભળાટ?

અમદાવાદ/નવી દિલ્હીઃ EDએ ગુજરાત સહિત 10 રાજ્યમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા છે. મેડિકલ કોલેજો અને સરકારી અધિકારીઓ સાથે સંકળાયેલા એક મોટા લાંચકાંડના સંબંધમાં દેશવ્યાપી કાર્યવાહી હાથ ધરી છે. મોન્ટુ પટેલના કાર્યકાળમાં મેડિકલ કોલેજને આપવામાં આવેલી મંજૂરીને લઈ EDની ટીમોએ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી એમ કુલ 10 રાજ્યોમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા છે, જેના કારણે મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા 30 જૂન, 2025ના રોજ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર (FIR) પર આધારિત છે. આ FIRમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કેટલીક મેડિકલ કોલેજો દ્વારા સરકારી અધિકારીઓને મોટી લાંચ આપવામાં આવી હતી. જેમાં નેશનલ મેડિકલ કમિશન (NMC)ના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

આ કૌભાંડ દેશના શૈક્ષણિક સંસ્થાઓને મંજૂરી આપવાની પ્રક્રિયામાં રહેલી ગંભીર ખામીઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે, જેનાથી દેશમાં મેડિકલ શિક્ષણની ગુણવત્તા પર પણ ગંભીર સવાલો ઉભા થયા છે. ED દ્વારા હાથ ધરાયેલા આ સર્ચ ઓપરેશનમાં વિવિધ રાજ્યોમાં આવેલી સાત મેડિકલ કોલેજોના પરિસરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, CBIની FIRમાં જે ખાનગી વ્યક્તિઓ (વચેટિયાઓ)ના નામ છે, તેમના પરિસરો પર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ વ્યક્તિઓએ લાંચના વ્યવહારો પાર પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

જુલાઈમાં મોન્ટુ પટેલના ઘરે સીબીઆઈએ પાડ્યા હતા દરોડા

ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ જુલાઈ 2025માં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મોન્ટુ પટેલના ઝુંડાલમાં આવેલા બંગલા પર દરોડા પાડ્યા હતા. ગેરકાયદેસર કોલેજો અને અન્ય કૌભાંડોના સંદર્ભમાં મોન્ટુ પટેલના ઘરે આ દરોડા પાડવામાં આવ્યા હતા. મોન્ટુ પટેલ પર દિલ્હીમાં તેમની ઓફિસ અને ઘરે લાંચ લેવાનો આરોપ છે. આ સમગ્ર બાબતની તપાસ કરવામાં માટે આજે ઝુંડાલમાં આવેતા તેના બંગલા પર રેડ પાડવામાં આવી હતી.

મોન્ટુ પટેલ એબીવીપી પેનલમાંથી ચૂંટણી લડીને બિનહરીફ પ્રમુખ બન્યા હતા. ચાર વર્ષ પહેલાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યો માટે ચૂંટણી યોજી હતી. જેમાં ગુજરાતના સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના ચેરમેન મોન્ટુ પટેલે એબીવીપી પેનલ વતી ઉમેદવારી નોંધાવી હતી. જોકે, તેમને ચૂંટણીમાં બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

મોન્ટુ પટેલ પર લાગ્યા છે આવા આરોપ

મહત્વની વાત એ છે કે, મોન્ટ પટેલ પર કોલેજની માન્યતાઓ માટે લાંચ લીધી હોવાનો આક્ષેપ છે. જેથી સીબીઆઈ દ્વારા મહારાષ્ટ્ર સહિત જે રાજ્યોમાં કોલેજોને માન્યતા આપવામાં ગેરરીતિ આચરી હશે તે તમામ બાતે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ પહેલા પણ મોન્ટુ પર કેટલાક આક્ષેપો થયેલા છે. જેમાં PCIમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને GPSCની ફાઇલોમાં હેરાફેરી કરવી જેવી બાબતો સામેલ છે.

આ પણ વાંચો…ડિજિટલ એરેસ્ટના નામે થતી છેતરપિંડી પર EDની લાલ આંખ: હવે સમન્સમાં હશે QR કોડ, આ રીતે કરો ચકાસણી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button