ઈડીએ એક સાથે ત્રણ રાજ્યોના 24 સ્થળોએ દરોડા પાડ્યા! 2700 કરોડ રૂપિયાના કૌભાંડની આશંકા

નવી દિલ્હીઃ રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં લગભગ બે ડઝન સ્થળોએ આજે સવારથી જ ED (Enforcement Directorate) ની ટીમો દરોડા પાડી રહી છે. તપાસ એજન્સીના સૂત્રો દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે લગભગ 2700 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ (Money Laundering Case)કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈડી દ્વારા 24 જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે.
ઈડી દ્વારા અમદાવાદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ED દ્વારા રાજસ્થાનના સીકર, જયપુર, જોધપુર, ઝુનઝુનુ અને ગુજરાતના અમદાવાદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ‘નેક્સા એવરગ્રીન’ (nexa evergreen) નામના પ્રોજેક્ટ દ્વારા હજારો લોકો સાથે છેતરપિંડી થઈ હોવાના કારણે અત્યારે આ તપાસ કરવામાં આવી રહી છે. નેક્સા એવર ગ્રીન પ્રોજેક્ટમાં નાણાંનું રોકાણ કરવા પર, ફ્લેટ અથવા જમીન કરતાં વધુ દરે ચોક્કસ સમય પછી પૈસા પરત કરવાની ખાતરી આપવામાં આવી હતી.
આરોપીઓ વિરુદ્ધ લગભગ સેંકડો FIR પણ નોંધવામાં આવી
આ કેસમાં રાજસ્થાન પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ લગભગ સેંકડો FIR પણ નોંધવામાં આવી છે. તપાસ એજન્સી હવે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. નેક્સા એવરગ્રીન કંપની 17 એપ્રિલ 2021 ના રોજ અમદાવાદમાં નોંધાઈ હતી. તેના માલિકો સુભાષ બિજરનિયા અને રણવીર બિજરનિયા છે, જે સીકરના પનલાવાના રહેવાસી છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ અમદાવાદના રેકોર્ડ દર્શાવે છે કે આ કંપની રિયલ એસ્ટેટ પ્રવૃત્તિ માટે નોંધાયેલી હતી.
ધોલેરા સિટીના નામે થતી હતી લોકો સાથે છેતરપિંડી
ખાસ વાત એ છે કે આ કંપનીઓના અલગ અલગ ડિરેક્ટર હતા. મહત્વની અને ચોંકાવનારી વાત એ છે કે, લોકોને ફસાવવા માટે આ બધા પ્રોજેક્ટ્સ અને કંપનીના નામ મોટાભાગે ધોલેરા સિટીના નામ પર રાખવામાં આવ્યા હતા. ધોલેરાનું નામ આવે એટલે લોકો વિશ્વાસ કરીને આમાં રૂપિયા નાખવા તૈયાર થઈ જતા હોય છે. પરંતુ આ માત્ર લોકો સાથે છેતરપિંડી જ કરવામાં આવી હતી. આ છેતરપિંડીમાં એક બે હજાર લોકો નહીં પરંતુ 62 હજાર લોકો શિકાર બન્યાં છે.
કુલ 62 હજાર લોકો છેતરપિંડીનો શિકાર બન્યા
નેક્સા એવર ગ્રીન નામની કંપનીમાં રોકાણ કરવાના નામ પર 62 હજાર લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે. આમાં કુલ 2700 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આરોપીઓએ રોકાણકારોને લગભગ 1400 કરોડ રૂપિયા ડિવિડન્ડના રૂપમાં પરત કર્યા. જ્યારે 400 કરોડ રૂપિયા બોનસ અથવા અન્ય પુરસ્કાર તરીકે વહેંચવામાં આવ્યા. બાકીની રકમથી, તેમણે ધોલેરા શહેરમાં એક હજાર વીઘા જમીન ઉપરાંત અલગ અલગ સ્થળોએ જમીન, હોટલ, રિસોર્ટ અને ખાણો ખરીદી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આપણ વાંચો: વધુ એક ગર્વની ક્ષણ: ભારતીય મૂળના ડૉ. મુક્કામાલા American Medical Associationના પ્રમુખ બન્યા
રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં ઈડીની ટીમે પાડ્યા દરોડા
મહત્વની વાત એ છે કે, જ્યારે લોકોને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે અને કંપનીના સંચાલકો ભાગી જવાની યોજના બનાવી રહ્યા છે, ત્યારે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી. આ પછી પોલીસ અને હવે ED એ તપાસ આગળ ધપાવી છે. તપાસ એજન્સીની ટીમો અત્યારે રાજસ્થાન, ગુજરાત અને દિલ્હી એમ ત્રણેય રાજ્યોના લગભગ 24 સ્થળોએ એક સાથે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.