તમિલનાડુ સરકારના પ્રધાનના ઘરે ED ના દરોડા; DMKએ કેન્દ્ર પર આરોપ લગાવ્યા...
ટોપ ન્યૂઝનેશનલ

તમિલનાડુ સરકારના પ્રધાનના ઘરે ED ના દરોડા; DMKએ કેન્દ્ર પર આરોપ લગાવ્યા…

ચેન્નઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે તમિલનાડુના ગ્રામીણ વિકાસ મંત્રી આઈ. પેરિયાસામીના ઘર અને તેની સાથે જોડાયેલા અન્ય સ્થળોએ દરોડા (ED raid on I. Periyasamy) પડ્યા હતાં.

તેમની સામે બિન હિસાબી સંપત્તિ ધરાવવાનો બંધ થઇ ગયેલો કેસ ફરી ખોલવાનો મદ્રાસ હાઈકોર્ટે આદેશ આપ્યા હતાં, ત્યાર બાદ આ દરોડા પાડવામાં આવ્યા છે. દ્રવિડ મુનેત્ર કઝગમ(DMK)એ આ દરોડાને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતાં.

અહેવાલ મુજબ EDના અધિકારીઓએ શનિવારે આઈ. પેરિયાસામી અને તેમના પરિવારના સભ્યો સાથે જોડાયેલા ડિંડીગુલ અને ચેન્નાઈ ખાતે આવેલા પરિસરોમાં દરોડા પાડ્યા હતા.

EDના અધિકારીઓની ત્રણ ટીમોએ સશસ્ત્ર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કર્મચારીઓને સાથે રાખીને દરોડા પાડ્યા હતાં. સ્થાનિક DMK કાર્યકરો તરત જ સ્થળોએ ભેગા થઈ ગયા, જેના કારણે સુરક્ષા કડક બનાવવામાં આવી હતી.

અહેવાલ મુજબ આઈ. પેરિયાસામીના ઘર ઉપરાંત તેમના દીકરા અને ડિંડીગુલ પૂર્વના ધારાસભ્ય આઈપી સેન્થિલકુમાર અને તેમની દીકરી ઈન્દિરાના નિવાસસ્થાન પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા દરોડા:
રૂ.2.01 કરોડની બિનહિસાબી સંપત્તિ ધરાવવાના કેસમાં ડિંડીગુલની એક ટ્રાયલ કોર્ટમાં વર્ષ 2010માં પેરિયાસામી, તેમની પત્ની સુશીલા અને પુત્રો સેન્થિલ કુમાર અને પ્રભુને નિર્દોષ જાહેર કર્યા હતા. ગત એપ્રિલ મહિનામાં મદ્રાસ હાઈકોર્ટે તેમને નિર્દોષ છોડવાનો ચુકાદો ઉલટાવી નાખ્યો હતો અને નવેસરથી ટ્રાયલ ચલાવવાનો આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટના ચુકાદા સામે પેરિયાસામી અને તેમના પરિવારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે, જેની 18 ઓગસ્ટે સુનાવણી થશે. એ પહેલા આ દરોડા આપવામાં આવતા રાજકારણ ગર્યામાયું છે.

DMKના આરોપ:
ડીએમકે આ દરોડાને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા છે. ડીએમકેના સંગઠન સચિવ આરએસ ભારતીએ કહ્યું કે રાહુલ ગાંધીએ ઉઠાવેલા ‘મત ચોરી’ના મુદ્દાથી ધ્યાન હટાવવાના પ્રયાસના ભાગ રૂપે આ દરોડા પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો…‘ED ગુનેગારની જેમ કામ ન કરી શકે’ એક જ દિવસમાં સુપ્રીમ કોર્ટની બે બેન્ચે EDને ફટકાર લગાવી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button