ટોપ ન્યૂઝનેશનલ

Jharkhand CM: ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન લાપતા, EDની ટીમે BMW કાર જપ્ત કરી, એરપોર્ટ પર એલર્ટ

નવી દિલ્હી: ઝારખંડના કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય પ્રધાન હેમંત સોરેનની મુશ્કેલી સતત વધી રહી છે. સોમવારે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સવારે 7 વાગ્યાથી દિલ્હીના શાંતિ નિકેતનમાં હેમંત સોરેનના ઘર સહિત 3 સ્થળોએ દરોડા પડ્યા હતા, જે મોડી રાત સુધી ચાલુ રહ્યા હતા. EDની ટીમને અહીં હેમંત સોરેન મળ્યા ન હતા, પરંતુ જતી વખતે ED ટીમ સોરેનની BMW કાર પોતાની સાથે લઈ ગઈ હતી. ED દ્વારા જપ્ત કરવામાં આવેલી કાર HR નંબરની છે.

સાવચેતીના ભાગ રૂપે EDની ટીમે હેમંત સોરેન માટે એરપોર્ટ પર એલર્ટ પણ મોકલી દીધું છે. આ દરમિયાન એવી માહિતી પણ મળી છે કે સત્તાધારી પક્ષના વિધાન સભ્યોને તેમની બેગ અને સામાન સાથે રાંચીમાં એક જગ્યાએ એકઠા થવા માટે કહેવામાં આવ્યું છે. કોંગ્રેસના વિધાનસભ્યો અને પ્રધાનો મુખ્યપ્રધાન આવાસ પર પહોંચી રહ્યા છે.


અગાઉ હેમંત સોરેન શનિવારે મોડી રાત્રે અચાનક દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે તેઓ કેટલીક રાજકીય બેઠકો માટે દિલ્હી ગયા હતા. ત્યાં તેઓ કાયદાકીય સલાહ પણ લેશે. અગાઉ, EDએ તેમને 10મું સમન્સ મોકલ્યું હતું અને તેમને 29 જાન્યુઆરીથી 31 જાન્યુઆરીની વચ્ચે હાજર થવા જણાવ્યું હતું. જો તે ઈડી સમક્ષ હાજર નહીં થાય તો એજન્સી તેના ઘરે જઈને પૂછપરછ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button