કૉંગ્રેસના નેતાએ ફરી છંછેડ્યા મમતા બેનરજીને, કહ્યું કે પશ્ચિમ બંગાળમાં
કોલકાતાઃ પ. બંગાળ રાજ્યમાં શાસક તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાના સમર્થકોએ દરોડા દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર હુમલો કર્યા બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય તાપમાનમાં વધારો થયો છે. જે સમયે EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો તે સમયે EDના અધિકારીઓની સાથે માત્ર 27 CRPF જવાનો હતા. હુમલામાં ત્રણ અધિકારીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. EDના અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલા દરમિયાન ટોળાએ તેમના મોબાઈલ ફોન, લેપટોપ, રોકડ અને પાકીટ પણ છીનવી લીધું હતું. બંગાળ પોલીસે આ મામલામાં ત્રણ FIR નોંધી છે.
આ ઘટના બાદ એક તરફ વિપક્ષે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ કરી છે તો બીજી તરફ રાજ્યપાલ સીવી આનંદ બોઝે પણ સંકેત આપ્યા છે કે તેઓ તમામ બંધારણીય વિકલ્પો પર વિચાર કરશે અને આ મામલે યોગ્ય પગલાં લેશે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરતા કહ્યું હતું કે, ‘ED અધિકારીઓ પર હુમલા થઈ રહ્યા છે, રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા માટે આ યોગ્ય મામલો છે. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એ ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં બનેલી ઘટનાને સંઘીય માળખા પર સીધો હુમલો ગણાવ્યો છે, જ્યારે કોંગ્રેસે રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મમતા બેનરજીની સરખામણી ઉ. કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ સાથે કરી હતી. ED ટીમ પર થયેલા હુમલા અંગે પશ્ચિમ બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું હતું કે આમાં રોહિંગ્યાનો હાથ છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ બંગાળીઓ સાથે આવું જ થવાનું છે. ED પરના હુમલાને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રામાણિકે રાજ્યના સંઘીય માળખા પર હુમલો ગણાવ્યો છે.
જો કે, શાસક ટીએમસીએ તમામ આરોપોને ફગાવી દીધા હતા અને સામા આરોપ લગાવ્યા હતા કે કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ સ્થાનિક લોકોને ઉશ્કેર્યા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે ED અધિકારીઓએ તૃણમૂલ કોંગ્રેસના નેતા શેખ શાહજહાંના નિવાસસ્થાને દરોડા પાડવા પહોંચ્યા ત્યારે તેમને શાહજહાંના સમર્થકોના હુમલાઓનો સામનો કરવો પડ્યો. સમર્થકોએ અધિકારીઓ અને તેમના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. શાહજહાં રાજ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલ્લિકના નજીકના સાથી માનવામાં આવે છે. કરોડો રૂપિયાના રાશન વિતરણ કૌભાંડ મામલે જ્યોતિપ્રિયા મલ્લિકની ધરપકડ કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું કે જ્યારે સવારે EDના અધિકારીઓ સંદેશખલી વિસ્તારમાં શેખના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે ત્યાં મોટી સંખ્યામાં હાજર તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોએ ED અધિકારીઓ અને તેમની સાથે રહેલા કેન્દ્રીય દળોને ઘેરી લીધા હતા અને તેમના પર હુમલો કર્યો હતો, જેને કારણે અધિકારીઓને ઓટો રિક્ષા અને ટુ-વ્હીલરમાં સ્થળ છોડી દેવાની ફરજ પડી હતી.