તમિલનાડુમાં ED નો અધિકારી જ લાંચ લેતા રંગેહાથે ઝડપાયો, અન્ય અધિકારીઓની મિલીભગતની શંકા
ચેન્નાઈ: તમિલનાડુના ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC) એ શુક્રવારે લાંચ લેવાના આરોપસર કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીને ધરપકડ કરી હતી. આરોપ છે કે ED અધિકારીએ સરકારી કર્મચારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ધરપકડ કરાયેલ અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે, જે મદુરાઈમાં ED પ્રાદેશિક કાર્યાલયમાં કામ કરે છે.
DVAC અધિકારીઓએ અંકિત તિવારી સાથે સંકળાયેલા કેસના સંબંધમાં મદુરાઈમાં ED ઓફિસ પર પણ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઓફિસની બહાર સીઆરપીએફના જવાનો તૈનાત હતા. DVACને લાંચના કેસમાં EDના અન્ય અધિકારીઓ સાથેની મિલીભગતની શંકા છે.
DVACએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અંકિત તિવારીને ડિંડીગુલમાં અટકાયતમાં લીધા બાદ ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ પછી કોર્ટે આરોપીને 15 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. આ પહેલા અધિકારીઓએ તિવારીની સઘન પૂછપરછ કરી હતી. DVACએ કહ્યું કે અમારી ટીમ તપાસ કરી રહી છે કે શું આરોપી અધિકારીએ અગાઉ બ્લેકમેલ કરીને અથવા ધમકી આપીને અન્ય કોઈ પાસેથી પૈસા પડાવી લીધા હતા.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આરોપી અધિકારીએ ઓક્ટોબરમાં ડિંડીગુલ સરકારી કર્મચારીનો સંપર્ક કર્યો હતો અને તેની સામે નોંધાયેલા વિજિલન્સ કેસનો ઉલ્લેખ કર્યો હતો, જેનો નિકાલ થઈ ચૂક્યો હતો. અંકિત તિવારીએ કર્મચારીને જણાવ્યું કે વડા પ્રધાન કાર્યાલય તરફથી આ મામલાની તપાસ કરવા માટે સૂચનાઓ મળી છે અને સરકારી કર્મચારીને 30 ઓક્ટોબરે મદુરાઈમાં ED ઓફિસમાં હાજર થવા જણાવ્યું છે.
DVAC એ દાવો કર્યો છે કે જ્યારે સરકારી કર્મચારી મદુરાઈ ગયો હતો ત્યારે તિવારીએ કેસમાં કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે તેને 3 કરોડ રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું. બાદમાં કહ્યું કે તેણે તેના ઉપરી અધિકારીઓ સાથે વાત કરી અને તેમની સૂચના મુજબ તે 51 લાખ રૂપિયા લાંચ લેવા માટે સંમત થયો છે. 1 નવેમ્બરના રોજ કર્મચારીએ તેને લાંચના પ્રથમ હપ્તા તરીકે 20 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં તિવારીએ કર્મચારીને વોટ્સએપ કોલ અને ટેક્સ્ટ મેસેજ દ્વારા ઘણી વખત ધમકી આપી હતી કે તેણે 51 લાખ રૂપિયાની સંપૂર્ણ રકમ ચૂકવવી પડશે, નહીં તો તેણે ગંભીર પરિણામો ભોગવવા પડશે.