નેશનલ

ડિજિટલ એરેસ્ટના નામે થતી છેતરપિંડી પર EDની લાલ આંખ: હવે સમન્સમાં હશે QR કોડ, આ રીતે કરો ચકાસણી

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી દેશમાં ડિજિટલ એરેસ્ટની ઘટનાઓ સતત સામે આવી રહી છે. સાયબર ગઠિયા ATS અને EDના નામે લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા પડાવી રહ્યા છે. ગુજરાતમાં તો આજે ડિજિટલ એરેસ્ટ બાદ એક ખેડૂતે આપઘાત કરવાનો કિસ્સો પણ સામે આવ્યો છે ત્યારે હવે સાયબર ગઠિયાઓ દ્વારા કરવામાં આવતા ડિજિટલ એરેસ્ટને નાથવા માટે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ પોતાની કાર્યવાહીની રીતમાં ફેરફાર કર્યો છે.

ઈડીએ સમન્સની ફોર્મેટ બદલી

ઈડીએ લોકોને નકલી સમન્સ અને નોટિસ મોકલીને છેતરપિંડી કરનારાઓ સામે સતર્ક રહેવાની સલાહ આપી છે. ED અધિકારીઓના જણાવ્યા મુજબ છેતરપિંડી કરનારાઓ અસલી જેવા દેખાતા નકલી સમન્સ મોકલીને લોકો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ED એ સ્પષ્ટતા કરી છે કે હવે અસલી સમન્સને ચકાસવા માટે એક ખાસ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે.

ED અધિકારીઓએ જણાવ્યું કે તમામ અસલી સમન્સ હવે એક ખાસ સિસ્ટમ દ્વારા જારી કરવામાં આવે છે, જેમાં QR કોડ અને એક યુનિક પાસકોડનો સમાવેશ થાય છે. આ સમન્સમાં તેને મોકલનાર અધિકારીની સહી, સીલ, સત્તાવાર ઇમેઇલ ID અને ફોન નંબર પણ હશે. તમને મળેલ સમન્સ અસલી છે કે નહીં, તે ચકાસવા માટે EDએ બે સરળ પદ્ધતિઓ જણાવી છે.

આપણ વાચો: ડિજિટલ એરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આપઘાતની ઘટનાથી ચકચાર, જાણો વિગતવાર

સમન્સ સાચું છે કે ખોટું તે જાણવાની રીત

સમન્સમાં આપેલા QR કોડને તમારા મોબાઇલ ફોનથી સ્કેન કરો. સ્કેન કરવાથી ED ની સત્તાવાર વેબસાઇટ પર એક વેરિફિકેશન પેજ ખુલશે. આ પેજમાં સમન્સ પર આપેલો પાસકોટ એન્ટર કરો. જો સમન્સની માહિતી સાચી હશે, તો વેબસાઇટ પર નામ, અધિકારીનું નામ, હોદ્દો અને તારીખ જેવી સમન્સની બધી વિગતો જોવા મળશે.

આપણ વાચો: વડોદરામાં બેંકના નિવૃત્ત અધિકારી બન્યા ડિજિટલ એરેસ્ટનો શિકાર, ઠગોએ રૂપિયા 64.41 લાખ પડાવ્યાં

આ કામ તમે EDની વેબસાઇટની મુલાકાત લઈને પર કરી શકો છો. EDની સત્તાવાર વેબસાઇટ https://enforcementdirectorate.gov.in પર જાઓ. જેમાં ‘વેરિફાય યોર સમન્સ’ મેનૂ દેખાશે, તેના પર ક્લિક કરો.

તેમાં સમન્સ નંબર અને પાસકોડ એન્ટર કરો. જો સમન્સ અસલી હશે, તો તેની વિગતો વેબસાઇટ પર દેખાશે. ખાસ વાત એ છે કે, આ ચકાસણી સમન્સ જારી થયાના 24 કલાક પછી શનિવાર, રવિવાર અને રજાઓ સિવાય કરી શકાય છે.

બનાવટી સમન્સ અથવા ધમકી મળે તો શું કરવું?

ED એ જનતાને “ડિજિટલ અરેસ્ટ” જેવી ધમકીઓથી દૂર રહેવાની અપીલ કરી છે. ED અધિકારી હોવાનો દાવો કરીને પૈસા માંગતી અથવા ધરપકડની ધમકી આપતી કોઈપણ વ્યક્તિ કે સંદેશ પર વિશ્વાસ નહીં કરવો.

EDએ જણાવ્યું છે કે “ડિજિટલ અરેસ્ટ” જેવો કોઈ કાયદો નથી. ED દ્વારા ધરપકડ હંમેશા કાનૂની પ્રક્રિયા મુજબ રૂબરૂમાં કરવામાં આવે છે, ઓનલાઈન નહીં. એના સંબંધમાં તમે ઓનલાઈન પણ ફરિયાદ કરી શકો છો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button