બોલીવુડને ભરડામાં લેનારા મહાદેવ એપ બેટિંગ કેસમાં EDએ પહેલી ચાર્જશીટ દાખલ કરી
બોલીવુડ સેલેબ્રિટીઝ પર તવાઇ બોલાવનારા EDએ જે કેસમાં સ્ટાર્સને પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છે એ મહાદેવ એપ બેટિંગ કેસ મામલે EDએ પ્રથમ ચાર્જશીટ દાખલ કરી દીધી છે. આ ચાર્જશીટમાં એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિત 14 આરોપીઓના નામ સામેલ છે.
197 પાનાની આ ચાર્જશીટમાં મની લોન્ડરિંગ એક્ટની કલમ 44 અને 45 હેઠળ 8000થી વધુ પાના ધરાવતા વિવિધ દસ્તાવેજોને પુરાવા તરીકે ટાંકવામાં આવ્યા છે. EDના એક અધિકારીની મીડિયા સાથેની વાતચીત અનુસાર પ્રારંભિક તપાસ દર્શાવે છે કે આ કૌભાંડ 6000 કરોડથી પણ વધુનુ હોઇ શકે છે. ED પહેલા જ કાર્યવાહીમાં 41 કરોડ રૂપિયા જપ્ત કરી ચુકી છે. આગળની કાર્યવાહીમાં ટૂંક જ સમયમાં ED સૌરભ ચંદ્રાકર સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી શકે છે.
રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રાકરે હાલ દુબઇમાં શરણ લીધું છે. EDની તપાસમાં બહાર આવ્યું છે કે સતીષે પૈસા આપ્યા હતા અને મહાદેવ એપ માટે આઇડી ખરીદ્યું હતું. એપમાં જે આવક થતી હતી એ 70-30 ટકાના રેશિયોમાં મુખ્ય પ્રમોટરો, તેમજ અન્ય આરોપી સતીષ ચંદ્રાકર અને દુબઇ સ્થિત અન્ય પ્રમોટરો વચ્ચે વહેંચવામાં આવતી હતી. આ સતીષ ચંદ્રાકરની EDએ ધરપકડ કરી લીધી છે.
નવાઇની વાત એ છે કે આ કૌભાંડમાં એક પોલીસકર્મી ચંદ્રભૂષણ રાયનું પણ નામ સામે આવ્યું છે. તેમણે પદનો દુરૂપયોગ કરી શંકાસ્પદોને બચાવવા અને અપરાધની આવકમાં ભાગ પડાવ્યો હતો. રાયના સંબંધીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમગ્ર કૌભાંડના છેડા બોલીવુડ સુધી એટલા માટે પહોંચ્યા છે કારણકે બોલિવુડ સ્ટાર્સ, ઇન્ફ્લુએન્સરો અને ટીવી કલાકારોએ પણ આ એપને પ્રમોટ કરી હતી અને એ માટે તેમને હવાલા દ્વારા ચૂકવણી કરાતી હતી. સૌરભ ચંદ્રાકરના લગ્નમાં હાજરી આપવા બદલ ઓછામાં ઓછા 19 સેલેબ્રિટીઝ EDની રડારમાં આવી ગયા છે. મોટાભાગના બોલીવુડ સેલેબ્સ કે જેમને સમન્સ મોકલાયું છે તેઓ EDને જવાબ આપી રહ્યા નથી.
આટલું ઓછું હોય તેમ આ કેસમાં હવે રાજકીય સમર્થન પણ બહાર આવ્યું છે. રવિ ઉપ્પલ જે આ એપના પ્રમોટરોમાંનો એક છે તેણે છત્તીસગઢના મુખ્યપ્રધાનના રાજકીય સલાહકાર સાથે મુલાકાત કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ઉપરાંત છત્તીસગઢમાં કેટલાક આરોપીઓને ત્યાંની સ્થાનિક પોલીસે સુરક્ષા પણ પૂરી પાડી હતી.