ઝારખંડમાં મંત્રીના પીએ અને નોકરની ઇડીએ કરી ધરપકડ, 35 કરોડ રોકડા મળ્યા હતા
રાંચીઃ ઝારખંડ સરકારના પ્રધાન આલમગીર આલમના પીએ અને નોકરની ઇડીએ ધરપકડ કરી હતી. નોંધનીય છે કે ઇડીએ સોમવારે ઝારખંડના મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલ અને તેમના નોકર જહાંગીર આલમ પાસેથી 35 કરોડ રૂપિયા કરતા વધુ રોકડા જપ્ત કર્યા હતા. ઇડીએ આ કેસમાં સંજીવ લાલ અને જહાંગીર આલમની ધરપકડ કરી હતી. બંનેની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતુ કે આ બંનેની પૂછપરછ બાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ની જોગવાઈઓ હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે બંનેએ તપાસમાં સહકાર આપ્યો ન હતો. એજન્સીએ ગાદીખાના ચોક ખાતે સ્થિત ફ્લેટમાંથી 32 કરોડથી વધુની રોકડ જપ્ત કરી હતી.
ઉપરાંત અન્ય કેટલાક સ્થળોએથી 3 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. આ સાથે આ કેસમાં અત્યાર સુધી કુલ 35.23 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરાયા છે. ઝારખંડના ગ્રામીણ વિકાસ પ્રધાન અને કોંગ્રેસના નેતા આલમગીર આલમે તેમના તરફથી કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે.
રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગમાં કથિત ગેરરીતિઓના સંદર્ભમાં ઇડીએ રાંચીમાં એક ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. આ ફ્લેટ કથિત રીતે સંજીવ લાલના નોકર જહાંગીર આલમનો છે. ઇડીએ ફ્લેટમાંથી 32 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.
નોંધનીય છે કે ઇડીએ સંજીવ લાલ અને તેમના નોકર જહાંગીર આલમ, બિલ્ડર મુન્ના સિંહ અને તેના નજીકના લોકોના નવ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં મોટી માત્રામાં રોકડ મળી આવી હતી, જેની ગણતરી માટે પાંચ નોટ કાઉન્ટીંગ મશીન અને બેન્ક કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આંધ્રપ્રદેશ અને ઓડિશામાં તેમની ચૂંટણી રેલીઓમાં આ રોકડનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.