નવી દિલ્હીઃ લીકર કેસમાં કથિત સંડોવણી બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની બે કલાક પછી ધરપકડ કરી હતી.
દિલ્હીમાં કથિત લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરવાલની ધરપકડ કરવામાં આવ્યા પછી આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો, જ્યારે અનેક લોકોની દિલ્હી પોલીસે પણ અટક કરી હતી.
દરમિયાન ઈડી હેડ ક્વાર્ટરની બહાર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કેજરીવાલના નિવાસસ્થાનની આસપાસના વિસ્તારને સંવેદનશીલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય ત્રણ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાના સાંસદ રાઘવ ચઠ્ઠાએ કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા મુદ્દે સૌથી મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
આ મુદ્દે ઈડીના અધિકારીએ કહ્યું હતું કે એક પછી એક નવ સમન્સ મોકલ્યા પછી આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ટીમ દસમા સમન્સ સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી.
ઈડીના તપાસ અધિકારી જોગેન્દ્ર કેજરીવાલની પૂછપરછ કરી રહ્યા છે. ઘરમાં પણ તપાસ આદરવામાં આવી હતી. એની વચ્ચે કેજરીવાલની લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી, જ્યારે હાઈ કોર્ટના આદેશને પડકારવામાં આવશે. આજે દિલ્હી હાઈ કોર્ટે પણ આ મુદ્દે મહત્ત્વની ટિપ્પણી કરી હતી, જેમાં કેજરીવાલને કોઈ રાહત નહીં આપવાનો આદેશ આપ્યો હતો.