તમિલનાડુના ધારાસભ્ય વિરુદ્ધ ઇડીની કાર્યવાહીઃ 100 કરોડની સંપત્તિ જપ્ત કરી
નવી દિલ્હી/ચેન્નઈઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આજે જણાવ્યું હતું કે તેણે એઆઈએડીએમકેના ભૂતપૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય આર વૈથિલિંગમ અને કેટલાક અન્ય લોકો સામે મની લોન્ડરિંગ તપાસ હેઠળ 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. કેન્દ્રિય એજન્સીએ કહ્યું હતું કે બંન્ને સ્થાવર મિલકતો તિરુચિરાપલ્લીમાં આવેલી છે અને મુથમ્મલ એસ્ટેટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે નોંધાયેલી છે, જે એક પરિવારની માલિકીની સંસ્થા છે.
આ પણ વાંચો: બિહારમાં સહકારી બેન્કમાં છેતરપિંડી કેસમાં ઇડીની કાર્યવાહીઃ ચારની કરી ધરપકડ
ગૃહ અને શહેરી વિકાસના પૂર્વ મંત્રી પણ છે
તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમ (ઓપીએસ)ના નજીકના સાથી વૈથિલિંગમ તમિલનાડુ વિધાનસભામાં ઓરાથાનાડુ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. ઓપીએસ અને વર્તમાન પાર્ટી પ્રમુખ એડપ્પાદીના પલાનીસ્વામી સાથે નેતૃત્વને લઇને લડાઇ દરમિયાન તેમને ઓપીએસ સાથે 2022માં એઆઈએડીએમકેમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેઓ ગૃહ અને શહેરી વિકાસના ભૂતપૂર્વ મંત્રી રહી ચૂક્યા છે.
મંજૂરીના બદલામાં 27 કરોડની લાંચ
ઇડીનો મની લોન્ડરિંગ કેસ તમિલનાડુ ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી-કરપ્શન (ડીવીએસી) દ્વારા દાખલ કરાયેલી એફઆઇઆર પર આધારિત છે જેમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આર. વૈથિલિંગમે તેમના કાર્યકાળ દરમિયાન એક રિયલ એસ્ટેટ પરિયોજના માટે યોજનાની મંજૂરીના બદલામાં શ્રીરામ પ્રોપર્ટીઝ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 27.90 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી.
ઈડીએ મોડસ ઓપરેન્ડી શોધી કાઢી
ઇડીએ ઓક્ટોબર 2024માં ચેન્નઈ અને તંજાવુર સ્થિત સ્થળો પર ધારાસભ્ય અને કેટલાક અન્ય લોકો સામે દરોડા પાડ્યા હતા અને દાવો કર્યો હતો કે “એક કાળજીપૂર્વક યોજનાબદ્ધ” મોડસ ઓપરેન્ડીને શોધી કાઢવામાં આવી હતી. એજન્સી અનુસાર, આ ચુકવણીઓ કથિત રીતે શ્રીરામ ગ્રુપ એન્ટિટીઝ દ્વારા જમીન ખરીદવા માટે કરવામાં આવી હતી અને વાસ્તવિક જમીન સંપાદન માટે ક્યારેય કોઇ ઇરાદાઓ નહોતા.