નેશનલ

દિલ્હીમાં ‘આપ’ના વિધાનસભ્ય વિરુદ્ધ ઈડીની મોટી કાર્યવાહી, આઠ સ્થળે દરોડા

નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આમ આદમી પાર્ટી (AAP)ના વિઘાનસભ્ય અમાનતુલ્લા ખાન વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઈડી અમાનતુલ્લા ખાન અને અન્ય કેટલાક આરોપીઓ સામે ઈડી દ્વારા અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે.

આ સર્ચ ઓપરેશન દિલ્હી વક્ફ બોર્ડ સાથે સંબંધિત છેતરપિંડી અને મની લોન્ડરિંગની તપાસના ભાગ રૂપે હાથ ધરવામાં આવ્યું છે. તપાસ એજન્સીના એક અધિકારીના જણાવ્યા અનુસાર 2 જાન્યુઆરીના રોજ દિલ્હી-એનસીઆરમાં આઠ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં તેમએ ઘણા પુરાવા પણ મળ્યા હતા.

2 જાન્યુઆરી મંગળવારે સવારે લગભગ 6 વાગ્યે સર્ચ ઓપરેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. વિઘાનસભ્ય અમાનતુલ્લા ખાન દિલ્હીના જામિયા વિસ્તારમાં રહે છે. ટીમ દ્વારા જે સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ત્યાં મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળોને પણ તહેનાત કરવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોને આ સર્ચ ઓપરેશનની માહિતી મળતાં જ લોકો મોટી સંખ્યામાં વિઘાનસભ્યના આવાસની બહાર એકઠા થવા લાગ્યા હતા. પરંતુ તપાસ એજન્સીની ટીમ સાથે અર્ધલશ્કરી દળના જવાનો મોટી સંખ્યામાં સ્થાનિક લોકોને ત્યાં એકઠા ન થવા અપીલ કરી હતી.

અમાનતુલ્લા ખાન અગાઉ દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે. જ્યારે તેઓ પ્રમુખ હતા ત્યારે તેમના પર ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરીને 32 લોકોની ગેરકાયદે ભરતી કરવાનો આરોપ હતો. તેથી ગયા વર્ષે આ કેસમાં અમાનતુલ્લા ખાનની પણ એસીબી શાખા દ્વારા સૌ પ્રથમ કેસ નોંધીને ધરપકડ કરવામાં આવી હતી.

એસીબી અને સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસના આધારે ઈડીએ તે કેસનો કબજો લીધો હતો અને અત્યાર સુધીમાં આ કેસમાં કેટલાક ડઝન લોકોની પૂછપરછ કરી છે. તેમજ 10 ઓક્ટોબર 2023 ના રોજ તપાસ એજન્સી દ્વારા 13 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે બે વર્ષ પહેલા 16 સપ્ટેમ્બરના રોજ જ્યારે ACB એટલે કે ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ દરોડો પાડ્યા હતા ત્યારે અમાનતુલ્લા ખાનના ઘરેથી લગભગ 24 લાખ રૂપિયા રોકડા અને બે ગેરકાયદેસર હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. તે સમયે એસીબી દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સર્ચ ઓપરેશન દરમિયાન સર્ચ કરવા ગયેલી ટીમ પર અમાનતુલ્લા ખાનના ઘણા સંબંધીઓ અને તેમના સમર્થકો દ્વારા વિધાનસભ્યના આવાસની બહાર હુમલો કરવામાં આવ્યો હતો અને ધક્કા મારવામાં આવ્યા હતા. તેથી આ વખતે આ કેસમાં દરોડાની પ્રક્રિયા ઈડી દ્વારા ખૂબ જ સાવધાની સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને અર્ધલશ્કરી દળોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button