
નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ના 5.4 ટકાના વૃદ્ધિ દરને અપેક્ષા મુજબ નહીં ગણાવતા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે કહ્યું હતું કે અર્થવ્યવસ્થામાં આ એક અસ્થાયી સ્થિતિ છે અને આગામી ક્વાર્ટરમાં અર્થતંત્ર વધુ સારી ગતિએ આગળ વધશે.
સીતારમણે લોકસભામાં વર્ષ 2024-25 માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચ પર ચર્ચાનો જવાબ આપતાં કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં દેશનો સરેરાશ જીડીપી દર 8.3 ટકા રહ્યો છે અને માત્ર બે ક્વાર્ટરમાં તે 5.4 ટકા રહ્યો છે.
તેમણે નાણાકીય વર્ષ 2024-25ના બીજા ત્રિમાસિક ગાળાના જીડીપી વૃદ્ધિ દરને અપેક્ષા કરતા ઓછો ગણાવતા કહ્યું કે જ્યારે પણ લોકસભાની ચૂંટણી થાય છે ત્યારે સંસાધનો અને ખર્ચ વધી જાય છે અને ત્યાર બાદ વિકાસ દર પણ વધે છે. નાણામંત્રીએ કહ્યું કે આ વર્ષનો બીજો ક્વાર્ટર ભારત અને વિશ્વના ઘણા દેશો માટે પડકારજનક રહ્યો છે.
આપણ વાંચો: Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું બજેટમાં વિકસિત ભારતનો રોડમેપ
સીતારમણે કહ્યું હતું કે “સરકારનું માનવું છે કે બીજા ક્વાર્ટરમાં જીડીપી દરનું આ સ્તર અસ્થાયી છે અને આગામી ક્વાર્ટરમાં અર્થવ્યવસ્થા વધુ ઝડપી ગતિએ વધશે.” નાણા મંત્રીના જવાબ બાદ ગૃહે 2024-25 માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચ અને સંબંધિત વિનિયોગ (નંબર 3) બિલ, 2024 87,762.56 કરોડના કુલ વધારાના ખર્ચ માટે ધ્વનિ મત સાથે પસાર કર્યું હતું.
સીતારમણે કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ જીડીપી દર 8.3 ટકાને જોઇએ તો તેનાથી વિશ્વના ઘણા દેશોના જીડીપીની સરખામણી કરી શકાય નહી અને ભારતનો વિકાસ દર વૈશ્વિક ધોરણો પર ઉત્તમ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારત એક ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે જેમાં જનતાના યોગદાન અને સરકારની નીતિઓના બે પૈડા મળીને તેને એકસાથે ચલાવી રહી છે.
આપણ વાંચો: નિર્મલા સીતારમણે કહ્યું ‘ઇલેક્ટોરલ બોન્ડ સ્કિમ પાછી લાવીશું..’, કોંગ્રેસે આપ્યો આ જવાબ
તેમણે કહ્યું કે સરકાર અર્થતંત્રને વેગ આપવા માટે પ્રાદેશિક કનેક્ટિવિટી, ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે જેવા ક્ષેત્રોમાં 15.02 લાખ કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ કરી રહી છે, જે ભારતના ઈતિહાસમાં સૌથી વધુ છે. ચર્ચામાં તેમણે મોંઘવારી વધવા અંગેના કેટલાક સભ્યોના દાવાઓને નકારી કાઢ્યા અને કહ્યું કે રિટેલ ફુગાવો નીચે આવ્યો છે અને કોવિડ પછી સૌથી નીચા સ્તરે છે.