Boycott Maldives: એક ટ્રાવેલ કંપની એ સસ્પેન્ડ કરી તમામ ફ્લાઇટ
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અપમાનજનક ટિપ્પણી હવે માલદીવને ભારે પડી રહી છે. સામાન્ય લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુસ્સો ઠાલવ્યો હતો. અને ભારતની દિગ્ગજ ટ્રાવેલ કંપનીઓ પણ હવે માલદીવ પર ગુસ્સો ઠાલવી રહી છે. ત્યારે દેશની ખૂબ જ જાણીતી અને મોટી ટ્રાવેલ કંપની MyTrip એ માલદીવની તેની તમામ ફ્લાઇટની બુકીંગ કેન્સલ કરી દીધી છે. કંપનીના કોફાઉન્ડર અને સીઇઓ નિશાંત પિટ્ટીએ જાતે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે.
નિશાંત પિટ્ટીએ તેમના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, દેશની એકતામાં સામેલ થતાં Ease MyTrip એ માલદીવની બધી જ ફ્લાઇટ બુકિંગને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, માલદીવના મહિલા પ્રધાન મરિયમ શિઉનાએ વડા પ્રધાન મોદી માટે સોશિયલ મીડિયા પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ મુદ્દો ભારતે માલદીવની મહોમ્મદ મુઇજ્જૂ સરકાર સામે ઉઠાવ્યો હતો. ત્યારે આ અંગે માલદીવની સરકારે એક નિવેદનમાં કહ્યું કે, એ એમની વ્યક્તિગત વિચારધારા છે. કોઇ પણ પ્રધાનની ટિપ્પણી માલદીવ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ નથી કરતી.
ભારતે આ અંગે વારંવાર વાંધો ઊભો કરતાં આ મુદ્દે એક્શન લેતા માલદીવ સરકારે વડા પ્રધાન મોદી અંગે વાંધાજનક ટિપ્પણી કરનારા મરિયમ શિઉનાની સાથે સાથે માલશા શરીફ અને મહજૂમ માજિદને પણ સસ્પેન્ડ કર્યા છે. માલદીવ સરકારના પ્રવક્તા ઇબ્રાહિમ ખલીલે એક ભારતીય ટીવી ચેનેલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, વાંધાજનક ટિપ્પણી માટે જવાબદાર ત્રણે પ્રધાનોને તેમના પદથી તાત્કાલીક અસરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ખરેખર તો આ આખી વાતની શરુઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ થઇ હતી. વડા પ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં. અને તેમણે ભારતીય લોકોને અપીલ કરી હતી કે તેઓ આ આઇલેન્ડ પર ફરવાનો પ્લાન કરે. ત્યાર બાદ માલદીવના પ્રધાન મરિયમ શિઉનાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. એ પોસ્ટની ટીકા થતાં આખરે મરિયમે એ પોસ્ટ ડીલીટ કરી હતી.
મરિયમ શિફનાના આ નિવેદનની માલદીવ નેશનલ પાર્ટીએ પણ ટીકા કરી હતી. એક પોસ્ટ લખી માલદીવ નેશનલ પાર્ટીએ કહ્યું કે, સરકારી અધિકારીની એક વિદેશી રાષ્ટ્રાધ્યક્ષના વિરોધમાં કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણીઓની માલદીવ નેશનલ પાર્ટી નિંદા કરે છે. આ અસ્વિકાર્ય છે. આમા જે લોકો સામેલ છે એમની સામે કાર્યવાહી કરવાની અમે સરકારને આગ્રહ કરીએ છીએ.