ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા, અહિયાં જ ટનલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે
દહેરાદૂન: મધ્યરાત્રિએ જ્યારે લોકો ગાઢ ઊંઘમાં હતા ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશી વિસ્તારની આસપાસ ધરતી ધ્રુજી હતી. ઉત્તરકાશી આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.1 માપવામાં આવી હતી. જો કે કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. આ ભૂકંપ એ જ જગ્યાએ આવ્યો છે જ્યાં ટનલમાં ફસાયેલા 40 કામદારોને બચાવવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ભૂકંપની ઊંડાઈ સપાટીથી 5 કિલોમીટર નીચે હતી અને કેન્દ્ર રાજધાની દેહરાદૂનથી લગભગ 140 કિલોમીટર દૂર હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 16-11-2023ના રોજ 02:02:10 વાગ્યે 3.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેદ્ર અક્ષાંશ 31.04, રેખાંશ 78.23 પર હતું અને ઊંડાઈ 5 કિલોમીટર હતી.”
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના તમામ તાલુકાઓ પાસેથી ભૂકંપ અંગે માહિતી મંગાવવામાં આવી છે. હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. અગાઉ 3 નવેમ્બરે ઉત્તરકાશીમાં ભૂકંપ અનુભવાયો હતો, જેનું કેન્દ્ર નેપાળમાં હતું.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં છેલ્લા 7 મહિનામાં 13 વખત ભૂકંપ આવ્યો છે. ભૂસ્તરશાસ્ત્રીઓ આને મોટા ભૂકંપનું ટ્રેલર માની રહ્યા છે. ભૂકંપની દૃષ્ટિએ ઉત્તરાખંડ અત્યંત સંવેદનશીલ રાજ્ય માનવામાં આવે છે. તેના ઘણા જિલ્લાઓ ઝોન 5 માં આવે છે.
ઉલ્લેખનીય છે કે ગત રવિવારે ઉત્તરકાશીમાં એક નિર્માણાધીન ટનલ ભૂસ્ખલનને કારણે તૂટી પડી હતી, જેમાં 40 મજૂરો ફસાઈ ગયા હતા. આ મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સેના, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો આ બચાવ કામગીરીમાં લાગેલી છે.