દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા
ગુરુવારે દિલ્હી એનસીઆર, પંજાબ સહિત ચંડીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપને કારણે ફરી એક વાર ધરતી કાંપી ઉઠી હતી. ઘણા સમય સુધી ભૂકંપના ઝાટકા અનુભવવામાં આવ્યા હતા. જેવા લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા કે તરત તેઓ પોતાના ઘર અને ઑફિસોની બહાર નીકળી ગયા હતા. અત્યાર સુધી જોકે, જાનહાનિ કે માલમિલકતના નુક્સાનના કોઇ સમાચાર જાણવા મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.2 માપવામાં આવી હતી.
આ ઉપરાંત જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લાના પીર પંજાલ ક્ષેત્રના દક્ષિણમાં પણ ભૂકંપના ઝાટકા અનુભવવામાં આવ્યા હતા. ભૂકંપના ઝાટકા માત્ર ભારતમાંજ નહીં, પરંતુ પડોશી દેશ પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. પાકિસ્તાનથી પણ એવા સમાચાર આવ્યા છે કે ભૂકંપને કારણે લોકો તેમના ઘરો અને ઑફિસની બહાર નીકળી ગયા હતા.
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપને લઈને નિષ્ણાતો પહેલાથી જ ચેતવણી આપી ચૂક્યા છે. તેઓ જણાવે છએ કે દિલ્હી-એનસીઆરમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે. જો કે, તે ક્યારે આવશે તેની પુષ્ટિ થઈ નથી. દિલ્હી-એનસીઆરની નીચે 100 થી વધુ લાંબા અને ઊંડા ફોલ્ટ છે. આમાંના કેટલાક દિલ્હી-હરિદ્વાર રિજન, દિલ્હી-સરગોધા રિજન અને ગ્રેટ બાઉન્ડ્રી ફોલ્ટ પર છે.
ભૂકંપ શા માટે અને કેવી રીતે થાય છે?
તેને વૈજ્ઞાનિક રીતે સમજવા માટે આપણે પૃથ્વીની રચનાને સમજવી પડશે. પૃથ્વી ટેકટોનિક પ્લેટો પર સ્થિત છે. તેની નીચે પ્રવાહી લાવા છે અને તેના પર ટેક્ટોનિક પ્લેટો તરે છે. ઘણી વખત આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે. વારંવાર અથડામણને લીધે, પ્લેટોના ખૂણાઓ ક્યારેક વળે છે અને તેના પર વધુ દબાણ આવતા તૂટવા લાગે છે. એવા સમયે નીચેથી નીકળતી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે. જ્યારે એનાથી ડિસ્ટર્બન્સ પેદા થાય છે ત્યાર બાદ ભૂકંપ આવે છે.