આસામમાં વહેલી સવારે જોરદાર ભૂકંપ: લોકો ઘરની બહાર દોડી આવ્યા, સાવચેત રહેવા ચેતવણી

ગુવાહાટી: આજે સોમવારે વહેલી સવારે આસામ અને ઉત્તરપૂર્વ ભરતાના કેટલાક વિસ્તારોની ધરતી ધ્રુજી ઉઠી હતી. અહેવાલ મુજબ આસામમાં સવારે 4:17 વાગ્યે રિક્ટર સ્કેલ પર 5.1 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ આપેલી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ 26.37° ઉત્તર અક્ષાંશ અને 92.29° પૂર્વ રેખાંશ પર આસામના મોરીગાંવ જિલ્લા નજીક નોંધાયું છે. X પર NCS એ કરેલી એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ 50 કિલોમીટરની ઊંડાઈએ હતું.
અહેવાલ મુજબ આસામમાં તમામ વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસ છતાં લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતાં. જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી.
લોકો ગભરાટનો માહોલ છે, ભૂકંપ બાદ હજુ પણ આંચકા આવવાની શક્યતા છે. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા કહ્યું છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં પણ આંચકા અનુભવાયા હતા. મધ્ય-પૂર્વીય ભૂટાન, ચીનના કેટલાક ભાગો અને બાંગ્લાદેશ પણ પણ આંચકા અનુભવાયા હતાં.
આસામ સહિત ઉત્તરપૂર્વ ભારતના રાજ્યો સંવેદનશીલ ભૂકંપ ક્ષેત્ર છે, અહીં કોપિલી ફોલ્ટ લાઇનને કારણે અવારનવાર ભૂકંપ આવતા રહે છે.



