પહેલાં ઉત્તર પ્રદેશમાં દેશી પિસ્તોલ બનતી, હવે તોપગોળા બને છે: અમિત શાહ
લલિતપુર (ઉત્તર પ્રદેશ): કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે ઉત્તર પ્રદેશની કાયાપલટ વિશે વાત કરતાં કહ્યું હતું કે એક સમયે દેશી બનાવટની પિસ્તોલના ઉત્પાદન માટે જાણીતા ઉત્તર પ્રદેશમાં આજની તારીખે તોપગોળા બને છે.
ભાજપના ઝાંસીના ઉમેદવાર અનુરાગ શર્માને માટે પ્રચાર કરતાં ઉત્તર પ્રદેશના લલિતપુરમાં અમિત શાહે કહ્યું હતું કે રાજ્યમાં વિકાસની શરૂઆત નરેન્દ્ર મોદી વડા પ્રધાન અને યોગી આદિત્યનાથ મુખ્ય પ્રધાન બન્યા બાદ થઈ છે.
એક સમય એવો હતો જ્યારે ઉત્તર પ્રદેશમાં દેશી પિસ્તોલ બનાવવામાં આવતી હતી. પરંતુ હવે વડા પ્રધાન મોદીએ બુંદેલખંડમાં ડિફેન્સ કોરિડોર બનાવ્યો છે અને અહીં હવે તોપગોળા બને છે, એમ અમિત શાહે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે જો પાકિસ્તાન કોઈ ભૂલ કરશે તો બુંદેલખંડમાં બનેલા તોપગોળાનો ઉપયોગ તેમના દેશને ખતમ કરી નાખવા માટે કરવામાં આવશે.
તેમણે કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયરની અણુ બોમ્બની ટિપ્પણી અંગે ટીકા કરતાં કહ્યું હતું કે મણી શંકર ઐયરે કહ્યું હતું કે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ કેમ કે તેમની પાસે અણુબોમ્બ છે. આપણે તેમની પાસેથી પીઓકે માગવું ન જોઈએ, પરંતુ આ નરેન્દ્ર મોદીની સરકાર છે. અમે અણુબોમ્બથી ગભરાતા નથી. પીઓકે ભારતનું છે અને ભારતનું જ રહેશે. અમે તેને પાછું લઈશું.
તેમણે વિપક્ષ પર આકરા હુમલા કરતાં કહ્યું હતું કે આ ભૂમિએ અંગ્રેજો અને મોગલોની સાથે લડાઈ કરી છે. હવે બુંદેલખંડ આપણા દેશમાં રહેલા દેશી અંગ્રેજો સામે પણ લડશે.
ઝાંસી મતદારસંઘમાં પાંચમા તબક્કામાં એટલે કે 20 મેના રોજ મતદાન કરવામાં આવશે. (પીટીઆઈ)