રાશન કાર્ડ પર મફત અનાજ બંધ ન થાય તે માટે આ એક કામ ભૂલ્યા વિના કરી લેજો…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર વર્ષોથી ગરીબ પરિવારોને મફતમાં રાશન આપે છે. આ પરિવારોનું બે ટંકનું ખાવાનું થઈ રહે અને કોઈ ભૂખ્યુ ન રહે તે માટે કૉંગ્રેસ સરકારે રાશન કાર્ડ સ્કીમ શરૂ કરી હતી, જે હજુ ચાલુ છે. આ સ્કીમ હેઠળ ઘઉં અને ચોખા મળે છે.
દેશના કરોડો લોકો આ મફતના રાશનનો લાભ લે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં 80 કરોડ લોકો આ રાશનનો લાભ લે છે અને પેટનો ખાડો પૂરે છે. ફૂડ સિક્યોરિટી બિલ અંતર્ગત પણ સરકાર આ લાભ જેટલા વધુ ગરીબોને મળે તેટલી કોશિશ કરે છે.
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ, સરકાર ગરીબ લોકોને મફત રાશન સુવિધા પૂરી પાડે છે. આ લાભ મેળવવા માટે, રાશન કાર્ડ જરૂરી છે, અને તેમાં એન્ટ્રી કર્યા પછી જ, મફત રાશન મળે છે. હવે આ રાશન કાર્ડ સંબંધી એક નવો નિયમ સરકારે જાહેર કર્યો છે, જો રાશનકાર્ડ ધારકો આ એક કામ નહીં કરે તો તેમને અનાજ મળવાનું બંધ થઈ જશે.

ત્રણ મહિનાનો સમય આપ્યો છે સરકારે
હવે રાશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવું જરૂરી બની ગયું છે. પાંચ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું કેવાયસી કરવું જરૂરી છે. જો આ કરવામાં નહીં આવે, તો રાશન કાર્ડ બંધ થઈ જશે અને મફત રાશનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે નહીં. આ માટે પહેલા 30 જૂનની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી.
જે બાદમાં 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી. લોકોને ઈ-કેવાયસી માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જો આ સમય દરમિયાન પણ કેવાયસી કરવામાં નહીં આવે, તો રાશન કાર્ડ બંધ થઈ જશે. KYCનો નિયમ લાગુ પાડવાનો મુખ્ય આશય એ છે કે અમુક લોકો સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.
આમ થવાને લીધે જેમને ખરેખર જરૂર છે, તેમને આવી યોજનાઓનો લાભ મળતો નથી. એવા લાખો ખોટા રાશનકાર્ડ અગાઉ સરકારની તપાસમાં પકડાઈ ચૂક્યા છે.
કઈ રીતે કરશો કેવાયસી
આ માટે તમારે રાજ્ય સરકારના પીડીએસ પોર્ટલ પર જવાનું રહેશે હોમપેજ પર તમને રાશન કાર્ડ સેવાઓ, ઇ-સેવાઓ અને અન્ય વિકલ્પો દેખાશે, તમે ઇ-કેવાયસી પર ક્લિક કરો.
રાશન કાર્ડ નંબર દાખલ કર્યા પછી, તમારે આધાર સાથે જોડવાનો રહેશે. આ માટે, આધારમાં મોબાઇલ નંબર અપડેટ કરવો જરૂરી છે.
ઓટીપી દાખલ કર્યા પછી, તમારું રાશન કાર્ડ અપડેટ થશે અને ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂરી થશે.
તો જો તમે હજુ સુધી આ કામ ન કર્યું હોય તો ભૂલ્યા વિના કરી લેજો, નહીંતર 31 ઑગસ્ટ બાદ ઘરમા રાશનનું અનાજ નહીં આવે.
આ પણ વાંચો…પીએમ જનમન હેઠળ ગુજરાતમાં પીએમ આવાસ-ગ્રામીણ યોજના અંતર્ગત 12,489 આવાસો મંજૂર કરવામાં આવ્યા