બરેલીમાં આગામી 48 કલાક માટે ઇન્ટરનેટ સેવા ઠપ, જાણો શું છે કારણ..

બરેલી, ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં થોડા સમય પહેલા હિંસા થઈ હતી. તેના કારણે અત્યારે બરેલીમાં દશેરા તહેવાર અને વિજયાદશમી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે બરેલી જિલ્લામાં ફરી એકવાર 48 કલાક માટે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી અમલમાં હતો. ત્યારે બરેલી જિલ્લામાં ઇન્ટરનેટ અને SMS સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
બરેલીમાં 4 ઓક્ટોબર સુધી ઇન્ટરનેટ અને SMS સેવા બંધ
બરેલી જિલ્લામાં આગામી 48 કલાક માટે ગૃહ વિભાગના આદેશ પ્રમાણે મોબાઇલ ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ અને SMS સેવાઓ 2 ઓક્ટોબરના રોજ બપોરે 03:00 વાગ્યાથી 4 ઓક્ટોબરના રોજ બપોરે 03:00 વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. વર્તમાન સ્થિતિને જોતાં અત્યારે બરેલીમાં ફરી હિંસા ભડકે તેવી આશંકા છે. એટલું જ નહીં પરંતુ ફેસબુક, યુટ્યુબ, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મેસેજિંગ સેવાઓનો દુરુપયોગ અફવાઓ ફેલાવવા અને સાંપ્રદાયિક તણાવ ભડકાવવા માટે થઈ શકે તેવી આશંકાઓ હોવાના કારણે ઇન્ટરનેટ અને SMS સેવા બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: મણિપુરમાં ફરી પરિસ્થિતિ તંગ બની, બિષ્ણુપુરમાં સંપૂર્ણ કર્ફ્યુ પાંચ જિલ્લામાં ઇન્ટરનેટ બંધ
પોલીસ, પીએસી અને આરએએફના જવાનોને તૈનાત
આ દરમિયાન બરેલીમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ, પીએસી અને આરએએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ ડ્રોનથી પણ નજર રાખવામાં આવી રહી છે. ભૂતકાળની સ્થિતિને ધ્યાને રાખતા પોલીસ અત્યારે સતર્ક થઈ ગઈ હતી. ગત શુક્રવારે નમાજ પછી કોતવાલી વિસ્તારમાં એક મસ્જિદની બહાર 2,000 થી વધુ લોકોની ભીડ એકઠી થઈ હતી. જેના કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. આજે દશેરાના તહેવારને ધ્યાનમાં રાખીને, બરેલી, શાહજહાંપુર, પીલીભીત અને બદાયૂં જિલ્લાઓમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ
દશેરાના કાર્યક્રમ દરમિયાન જો કોઈ તોફાની તત્વો દ્વારા ટિખળ કરવામાં આવી તો તેમની સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે કોઈપણ પ્રકારના બેદરકારીના કિસ્સામાં પણ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, ગુપ્તચર એજન્સીઓને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.