નિવૃત્ત અધિકારીને ત્યાં દરોડામાં 3 કરોડનું સોનુ, 17 ટન મધ, 37 કોટેજ ફાર્મહાઉસમાં મળ્યા

ભોપાલ: મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં એક નિવૃત ઈજનેરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા પીડબલ્યુડી વિભાગના નિવૃત ચીફ ઇજનેર જી.પી. મેહરાના નિવાસસ્થાન પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન કરોડો રૂપિયાની બેનામી સંપતિનો ખુલાસો થયો હતો.
ભ્રષ્ટ નિવૃત્ત એન્જિનિયરના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ, 3 કરોડ રૂપિયાથી વધુ કિંમતનું સોનું અને ચાંદી મળી આવ્યું હતું. તેમના ફાર્મહાઉસમાંથી 17 ટન મધ પણ મળી આવ્યું હતું. એસીબીના ચાર ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) સ્તરના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. ભોપાલ અને નર્મદાપુરમમાં ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
મણિપુરમ કોલોનીમાં આવેલા મહેરાના આલીશાન ઘરમાંથી અધિકારીઓને ₹8.79 લાખ રોકડા, લગભગ ₹50 લાખના દાગીના અને ₹56 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ મળી હતી. પરંતુ, તેનો સાચો ખજાનો તેમના બીજા ઘરમાં હતો, જે દાના પાણી પાસેની ઓપલ રીજન્સીમાં આવેલો એક આલીશાન એપાર્ટમેન્ટ હતો.
જ્યારે ત્યાં તપાસ કરવામાં આવી ત્યારે રૂ. 26 લાખ રોકડા, રૂ. 3.05 કરોડની કિંમતનું 2.6 કિલો સોનું અને 5.5 કિલો ચાંદી મળી આવ્યું હતું. સોહાગપુર તાલુકાના સૈની ગામમાં આવેલા ફાર્મહાઉસમાંથી 17 ટન મધ, છ ટ્રેક્ટર, નિર્માણાધીન 32 કોટેજ, અને તૈયાર થઈ ગયેલા સાત કોટેજ મળ્યા છે. આ ફાર્મ હાઉસમાં માછલી ઉછેરની સુવિધાઓ સાથેનો એક ખાનગી તળાવ પણ બનાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, એક ગૌશાળા, એક મંદિર, અને ફોર્ડ એન્ડવર, સ્કોડા સ્લાવિયા, કિઆ સોનેટ અને મારુતિ સિયાઝ જેવી લક્ઝરી કારો પણ મળી આવી હતી. ગોવિંદપુરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી કેટી ઈન્ડસ્ટ્રીઝ સુધી પણ દરોડા પાડવામાં આવ્યા હતા, જેને મહેરાનું વ્યવસાયિક અડ્ડો માનવામાં આવે છે. અહીં અધિકારીઓને સાધન-સામગ્રી, કાચો માલ, ₹1.25 લાખ રોકડા અને એવા દસ્તાવેજો મળ્યા હતા.