આ દુર્ગા પૂજા પંડાલ છે કે મેટ્રો સ્ટેશન? જુઓ કોલકાતાનો ક્રિએટીવ દુર્ગા પૂજા પંડાલ…
કોલકાતા: ગુજરાત અને જ્યાં જ્યાં ગુજરાતી સમુદાય વસે છે ત્યાં ગરબા રમીને ધામધૂમ પૂર્વક નવરાત્રી ઉજવવામાં આવી રહી છે. ત્યારે દેશના પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાની ઉજવણી થઇ રહી છે, આ તહેવાર રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાના વિજયની ઉજવણી છે. દુગપુજાના તહેવારની શરૂઆત થઇ ચુકી છે, આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં વિવિધ થીમ પર આધારિત પંડાલો જોવા મળી રહ્યા છે. આવા જ એક ક્રિએટિવ પંડાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
મેટ્રો-થીમ આધારિત પૂજા પંડાલનો એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે પંડાલનો ગેટ મેટ્રો ટ્રેનના દરવાજા જેવો જ છે, આ ઉપરાંત સીટો, ગ્રેબ હેન્ડલ્સ એક દમ વાસ્તવિક મેટ્રો જેવા જ દેખાય છે. તેમાં સ્ક્રીન પણ છે અને મેટ્રોની જેમ અનાઉન્સમેન્ટ સાંભળી શકે છે. પંડાલમાં એસ્કેલેટર અને બહાર નીકળવાના સાઈન બોર્ડસ સાથેનું પ્લેટફોર્મ પણ છે. વધુ આગળ જતા મા દુર્ગાની મૂતિ જોવા મળે છે.
આ ક્રિએટિવ પંડાલ જગત મુખર્જી પાર્ક ખાતે ઊભો કરવામાં આવ્યો છે. પંડાલના મુખ્ય આયોજકોમાંના એકે જણાવ્યું હતું કે તે મુલાકાતીઓને ગ્રીન લાઇન મેટ્રો કોચની અંદર હોવાનો અનુભવ આપવા માટે આ પંડાલ ડિઝાઇન કરવામાં આવ્યો છે.
ઘણા લોકોએ આ પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો ક્રિએટીવીટી માટે વખાણ કરી રહ્યા, જ્યારે અન્ય લોકોએ નાસભાગ જેવી પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી છે.